રાજ્ય સરકાર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસકાર્યો સતત અને અવિરત શરુ
– વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા
વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના ચાંપાથળ અને વેણીવદર મુકામે વિકાસકાર્યોના ખાતમુર્હૂત અને લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન
—
ચાંપાથળ મુકામે રુ. ૯ લાખના ખર્ચે નવનિર્મિત કમ્પાઉન્ડ વોલ, રુ. ૧૦ લાખના ખર્ચે બનેલ નવા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, રાજ્યસભા સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી રુ. ૫ લાખના ખર્ચે નવા બસ સ્ટેશનની કામગીરીનું ખાતમુર્હૂત
—
વેણીવદર મુકામે માર્ગ અને મકાન (પંચાયત)ની ગ્રાન્ટમાંથી રુ. ૯૦ લાખના ખર્ચે સિમેન્ટ રોડ અને પુલના કામનું ખાતમુર્હૂત
—
અમરેલી તા.૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ (રવિવાર) સમગ્ર અમરેલી જિલ્લામાં રસ્તાના વિકાસ કાર્યોની કામગીરી શરુ છે. વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના ચાંપાથળ અને વેણીવદર મુકામે વિકાસકાર્યોના ખાતમુર્હૂત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
ચાંપાથળ મુકામે રુ. ૯ લાખના ખર્ચે નવનિર્મિત કમ્પાઉન્ડ વોલ અને રુ. ૧૦ લાખના ખર્ચે નવા બનેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ૧૫ મું નાણાપંચ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ વોલ અને કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. આમ, ગ્રામજનોને હવે ઉત્તમ સુવિધા અને બેઠક વ્યવસ્થાની સગવડતા સાથેના કોમ્યુનિટી હોલની સુવિધા પ્રાપ્ત થઈ છે. રાજ્યસભા સાંસદ શ્રીની ગ્રાન્ટમાંથી રુ. ૫ લાખના ખર્ચે નવા બસ સ્ટેશનનની કામગીરીનું ખાતમુર્હૂત કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.
અમરેલીના વેણીવદર મુકામે માર્ગ અને મકાન (પંચાયત)ની ગ્રાન્ટમાંથી રુ. ૯૦ લાખના ખર્ચે ૧૪૦ મીટર લંબાઈનો સિમેન્ટ રોડ અને ૪.૮ મીટર લંબાઈના નવા પુલના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ. વેણીવદર-પીપળલગ વચ્ચે સિમેન્ટ રોડની જરુરિયાતને ધ્યાનમાં રાખીને, આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, સમગ્ર જિલ્લામાં રસ્તાની કામગીરી સતત અને અવિરત આગળ વધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા વિકાસના કામોને ત્વરાએ મંજૂર કરવામાં આવી રહ્યા છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પાકા રોડની સુવિધા મળી રહે તે નેમ છે.
ચાંપાથળ અને વેણીવદર મુકામે વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત હોદ્દેદારશ્રીઓ, સભ્ય શ્રીઓ, તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ






