Gujarat

છોટાઉદેપુર તાલુકાના પાલસંડામાં 2 ફૂટ ઉંડો ભૂવો પડતાં અકસ્માતનો ભય

છોટાઉદેપુર તાલુકાના કીકાવાડા રોડ પર આવેલ પાલસંડામાં આવેલ સુખી માઇનોર કેનાલ રોડ પરથી પસાર થાય છે. ત્યાં અચાનક મોટો ભૂવો પડતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ રસ્તે સિહોદ બ્રિજ બંધ થતાં છોટાઉદેપુરથી બોડેલી માટે ડાયવર્ઝન આપતાં સતત અવર-જવર રહેતી હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને આવવા-જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
તેમજ અકસ્માતનો ભય પણ વધી ગયો છે. તંત્ર દ્વારા વહેલી તકે ભૂવાનું સમારકામ કરાય તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુરથી બોડેલી જવા માટે તંત્ર દ્વારા તેજગઢ કીકાવાડા રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
રાત દિવસ રોડ સતત વાહન વ્યવહારથી ધમધમી રહ્યો છે. તેવામા પાલસંડા પાસેથી સુખી માઇનોર કેનાલની લાઇન રોડની નીચેથી પસાર થાય ત્યાં જ બે ફૂટ ઉંડો અચાનક મોટો ભૂવો પડતાં લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોએ ભૂવો જોતાં કોઇ અકસ્માત ન થાય તે માટે સાંકેતિક રૂપે થેલી બાંધી ડંડા લગાવી દેતાં રાહદારીઓનો બચાવ થઇ રહ્યો છે.
પરંતુ રાત્રિના સમયે પસાર થતા રાહદારીઓને ખૂબ જ સાવચેતી રાખીને પસાર થવાનો વારો આવ્યો છે. હાલમાં આ છોટાઉદેપુર બોડેલી તેમજ પાવાગઢ દર્શનાર્થીઓને જવા માટે એકમાત્ર વિકલ્પ હોઇ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ ભૂવાનું સમારકામ કરવા રાહદારીઓ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર