Gujarat

શહેર અને જિલ્લામાં 100 ફૂટ દૂર કઈ ન દેખાય એવું ગાઢ ધુમ્મસ, વાહનચાલકો પરેશાન થયા; માવઠા જેવો માહોલ

સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે, તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાય છે. ત્યારે આજરોજ શહેર અને જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે. માવઠા જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી છે.

શહેર-જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ

આજે વહેલી સવારે સુરત શહેર અને જિલ્લાની અંદર વાતાવરણમાં સ્પષ્ટ રીતે પલટો દેખાયો હતો. માવઠા સમયે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવે છે, તેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે.

વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. દરરોજ સવારે જ્યાં તડકો દેખાતો હતો, ત્યાં આજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી. વાહનચાલકોએ પણ હાઇવે પર વાહનની લાઈટનો સહારો લેવાની ફરજ પડી હતી. એકાએક ધુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી.

વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી

સુરતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. બપોરના સમયે ગરમીનો પારો ચડતા અસત્ય ગરમીથી સુરતીઓ ત્રસ્ત દેખાય છે. તો સાંજના સમયે અને રાત્રિના સમયે પણ બફારો અનુભવી રહ્યા છે.

આવી સ્થિતિમાં એકાએક ધુમ્મસ જેવું વાતાવરણ ઊભું થતા ખેડૂતોમાં માવઠાને લઈ ચિંતા વધી છે. વાતાવરણમાં થતા સતત બદલાવને કારણે લોકો બેચેની અનુભવી રહ્યા છે અને સ્વાસ્થ્યને લઈને પણ અનેક તકલીફો સામે આવી રહી છે.

ધુમ્મસથી વાહનચાલકો હેરાન થયાં.