Gujarat

રીટાયર્ડ મામલતદાર તરીકેની ઓળખ આપી સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી રૂપિયા 1.10 કરોડ પડાવ્યાં

અમદાવાદ શહેરના કઠવાડા GIDCમાં ફેબ્રિકેશનની કંપનીના માલિક સાથે બે લોકોએ ઠગાઈ આચરી હતી. આણંદના ઈસમે રીટાયર્ડ મામલતદાર તરીકેની ઓળખ આપી ઘરબો કેળવી તેના મળતિયા દ્વારા ફેબ્રિકેશનન કંપનીના માલિકને સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઈ કરી છે.

આ લોકોએ કઠલાલના ખલાલ પાસે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી જે બાદ અલગ અલગ સમયે કંપનીના માલિક પાસેથી કુલ રૂપિયા 1.10 કરોડ પડાવ્યાં હતા. બાદમાં અમદાવાદ ઈસનપુર મણીનગર ખાતેની ઓફિસ બંધ કરી અને ફોન પણ ન ઉપાડી ફુલેકું ફેરવી પલાયન થઈ ગયા છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં 30 વર્ષિય સંદીપભાઈ દલપતભાઈ પંચાલ રહે છે. દલપતભાઈને અમદાવાદ શહેરના કઠવાડા જીઆઈડીસી ખાતે શ્રી અંબા ઈન્ડસ્ટ્રીઝ નામની ફેબ્રિકેશનની કંપની આવેલ છે.

દલપતભાઈના મિત્ર પ્રવિણભાઇ (રહે.અમદાવાદ) ઉપરોક્ત કંપનીએ આવતા જતા હતા. આથી દલપતભાઈએ બીજી કંપની નાખવા અન્ય જગ્યાએ જમીન જોઈએ છે તેવી વાત પ્રવિણભાઈને કરી રાખી હતી.

જેથી તેમના દ્વારા રાજુ ઉર્ફે યુસુફ રસુલ વ્હોરા (રહે.નાના બજાર, વિદ્યાનગર, આણંદ) નામના ઈસમ સાથે મુલાકાત કરાવી હતી. જે બાદ આ રાજુ ઉર્ફે યુસુફ વ્હોરાએ તેની ઓફિસ ઈસનપુર મણીનગર ખાતે છે ત્યાં રૂબરૂ મળવા બોલાવ્યાં હતા.

આ સમયે આ ઓફિસમાં એક મહિલા પણ હાજર હતી અને તે વખતે આ રાજુ ઉર્ફે યુસુફ વ્હોરાએ પોતાની ઓળખ રીટાયર્ડ મામલતદાર તરીકેની આપી હતી અને હાજર મહિલાની ઓળખ કેશીયરનું કામ કરતી એકતાબેન તરીકે આપી હતી.

બાદમાં એક જાહેર નોટીસ બતાવી આ રાજુ વ્હોરાએ વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં આ રાજુ વ્હોરાએ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ખલાલ ગામની સીમમાં આવેલ સરકારી પડતર જમીનના પેપર તથા 7/12ની નકલ બતાવેલ હતી. જેથી સંદીપભાઈ અને દલપતભાઈ બંને આ સરકારી જમીન રાખવાની તૈયારી બતાવેલ હતી.

બાદમાં મીટીંગ કરી જમીનની રૂબરૂ મુલાકાત કરાવી હતી. જ્યાં સર્વે નંબર 3/અ વાળી ક્ષેત્રફળ 13-34-38 હે.આરે.વાળી પડતર સરકારી જમીન બતાવેલ હતી. બાદમાં જમીન જંત્રી ના પૈસા તમારે ભરવા પડશે અને થોડા કચેરીમાં અધિકારીને વહીવટના આપવા પડશે તેવી વાત કરેલી હતી. આ બાદ સંદીપભાઈ અને દલપતભાઈ બંનેએ સૌપ્રથમ 15 લાખ આપ્યા હતા.

આ જમીન સરકારી હોય તમારે કલેકટરને અરજી કરવી પડશે પરંતુ હાલમાં આ અરજી કરવાની નથી પરંતુ હું કહું ત્યારે આ અરજી કરવાની છે અને બેંકમાં જંત્રીની રકમનું ચલણ ભરવાનું છે. તેમ કહી દલપતભાઈ પાસે ત્રણ કોરા વાઉચરમાં સહી કરાવેલ અને કેહેલ કે, જંત્રીની રકમ ભરી તમને પહોંચ આપી દઈશ આમ જણાવી આ નાણાં રોકડા મેળવ્યાં હતા. બાદમાં જંત્રીના પૈસા ભરીને તે ચલણની કોપી વોટ્સએપ દ્વારા દલપતભાઈને મોકલી આપી હતી.

અઠવાડીયા બાદ આ રાજુએ કહ્યું કે, જમીન લેવા માટે અરજી કરેલ છે તમે સહી કરી દો તેમ કહી દલપતભાઈની સહી લીધી હતી. આ વખતે આ રાજુ વ્હોરાએ કહેલ કે, હું કલેક્ટર કચેરીમાં ઈનવર્ટ કરાવી લઈશ તેમ કહી અસલ વાઉચર આપેલા હતા જે વાઉચર આધારે રાજુ વ્હોરાએ સ્ટેટ બેંક કપડવંજ શાખામાં જમા કરાવેલા હતા. આ બાદ જમીનની ઈનવર્ટ કોપી આપી કહ્યું કે, પ્રોસેસ ચાલુ થઈ ગયેલ છે.

જ્યારે આ રાજુ વ્હોરાએ કહેલ કે, બીજા દલાલોને વચ્ચે રાખશો નહીં તો જમીન મોંઘી પડશે. આ જમીન સસ્તામાં લેવા માટે બીજા 10 લાખ ત્યાર બાદ આશરે ત્રણેક મહિના બાદ જંત્રીના પૈસા ભરવા પડશે તેમ કહી રાજુ વ્હોરાએ બીજા 20 લાખ, કચેરીમાં વહીવટ કરવો પડશે તેમ કહી બીજા 15 લાખ તથા અન્ય રીતે કહી જુદા જુદા દિવસો દરમિયાન લાખો રૂપિયા પડાવ્યાં હતા. આ ઈસમે અને તેના મળતિયાએ કુલ રૂપિયા 1 કરોડ 10 લાખ 81 હજાર 200 પડાવી લીધા હતા.

જે બાદ તપાસ કરવામાં આવતા આ રાજુ વ્હોરાએ તેની મણીનગર ખાતેની ઓફીસ બંધ કરી દીધેલ હતી. સંદીપભાઈ કે દલપતભાઈનો ફોન પણ ઉપાડતા નહોતા. શંકા જતાં તપાસ કરવામાં આવતા દલપતભાઈને જાણવાં મળ્યું કે, કપડવંજ મામલતદાર ઓફીસમાં રૂપિયા ભર્યા બાબતના ચલણ આપ્યા હતા, તે ખોટા હોવાનું જાણવા મળેલ હતું.

ત્યાર બાદ લાખો રૂપિયા ગુમાવનાર અરજદારે રાજુ વ્હોરા તથા એકતાબેન વિરૂધ્ધમાં અરજી કરેલ હતી. જે બાદ મામલો સમાધાને આવ્યો હતો. આ રાજુ વ્હોરાએ નોટરી કરાવી લીધેલા નાણાં પરત આપવાનુ નક્કી કર્યું હતું.

રાજુ વ્હોરાએ આપેલા ચેકો પણ ચેકચાક વાળા હોય આ ચેક પાસ થયેલ નહોતો. આથી આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં સંદીપભાઈ દલપતભાઈ પંચાલે નાણાં પડાવનાર યુસુફ ઉર્ફે રાજુ રસૂલ વ્હોરા અને એકતાબેન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.