જામનગરમાં તળાવની પાળે ગેઇટ નં.1 ની સામે આવેલા નિર્મલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી ત્રણ દુકાનમાં આગ લાગતા રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતાં. બનાવના પગલે દોડધામ મચી ગઇ હતી.
જામનગરના રણમલ તળાવના ગેઇટ નં.1 ની સામેના ભાગમાં આવેલા નિર્મલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી જશરાજ જ્યુસ એન્ડ કોલ્ડ્રીંક્સ, ઈટાલિયન પીઝેરીયા દુકાનમાં બુધવારે સવારે 6 વાગ્યાની આસપાસ અકસ્માતે આગ લાગી હતી.
ગણતરીની મીનીટોમાં આગ આ બે દુકાનની બાજુમાં આવેલી જે.પી. સોડાવાલા નામની દુકાનમાં પણ પ્રસરી હતી.
બનાવની જાણ થતાં ફાયરના જવાનો દોડી ગયા હતા અને સોડા શોપમાંથી મશીનરી તેમજ જયુસની દુકાનમાંથી મીકસર, જ્યુસર બહાર કાઢી 5000 લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
કોઇ એક દુકાનમાં રાત્રીના ઓવન ચાલુ રહી જતાં આગ ભભૂકી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.