Gujarat

ખંભાળિયા નજીક પીકઅપ વાનમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા પાંચ પશુઓ ઝબ્બે

ખંભાળિયા નજીકના પોરબંદર માર્ગમાંથી ગત સાંજે પસાર થઈ રહેલા અહીંના એક પશુ સેવા સંસ્થાના સક્રિય કાર્યકર દ્વારા એક બોલેરો પીકઅપ વાહનને અટકાવી, તેમાં જોતા આ વાહનમાં બેરહેમી પૂર્વક પાંચ અબોલ પશુઓને લઈ જવાતા હોવાનું ખુલવા પામ્યું હતું.

જે અંગે પશુ સંસ્થાના દેશુરભાઈ ધમા દ્વારા જેતપુર – નવાગઢ વિસ્તારના બે શખ્સોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા માં રહેતા અને અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર સંસ્થામાં છેલ્લા સાતેક વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા દેસુરભાઈ ગગુભાઈ ધમા નામના યુવાન ગઈકાલે મંગળવારે પોતાના પશુ એમ્બ્યુલન્સ લઈને કોલવા ગામ ખાતે પશુની સેવા કરવા માટે જઈ રહ્યા હતા.

તે દરમિયાન ખંભાળિયાની પાયલ હોટલ પાસેના રેલવે ફાટક પહોંચતા તેમના વાહનની આગળ જઈ રહેલી એક બોલેરો જી.જે. 03 બી.ડબલ્યુ. 7613 નંબરની બોલેરો પીક અપ વાહનમાં કેટલાક પશુઓને ખીચોખીચ રીતે લઈ જવામાં આવતા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું.

આથી દેશુરભાઈ તેમજ અન્ય કાર્યકરઓએ આ બોલેરોને અટકાવી તેમાં ચેકિંગ કરતા તેમાં ચાર નાના પાડા તેમજ એક પાડી એમ કુલ પાંચ પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી અને પાણી તથા ચારાની કોઈપણ પ્રકારની વ્યવસ્થા વગર અને આ પશુઓ બોલેરોમાં હલનચલન કરી ન શકે તેવી રીતે ટૂંકા દોરડા વડે બાંધીને લઈ જવાતા હોવાનું ખુલવા પામ્યું હતું.