Gujarat

અંબાજી મંદિરમાં માઇભક્તો માટે ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ, ઉનાળાની ઋતુ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તમ નિર્ણય લેવાયો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું મા જગત જનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબાનું આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. મા જગતજનની જગદંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે.

ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દરરોજ હજારો લોકો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ લેવા અંબાજી આવે છે. હાલ ગરમીનો પ્રકોપ સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરમાં આ કાળઝાળ ગરમીમા ભક્તોને ઠંડી છાસ નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી દર્શને આવતા તમામ માઇભકતો માટે વિનામૂલ્યે છાશનું વિતરણ શરૂ કરવામા આવ્યું છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભકતો આ ગરમીમા ઠંડી છાશનો લાભ લઇ રહ્યા છે.

ભારે ગરમીના પગલે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉનાળાની ઋતુ દરમિયાન ઠંડી છાશ અંબાજી મંદિરમાં આવતા ભક્તોને અપાશે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું. ઠંડી છાશથી સન સ્ટ્રોક અને ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. જેથી આ ઉનાળાની ઋતુ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો છે.