Gujarat

જામનગર નજીક હિટ એન્ડ રન, ટોળાંએ કાર સળગાવી નાખી

જામનગર નજીક ઘોરીવાવની ગોલાઇ પાસે બેફામ જઇ રહેલા મોટરકારના ચાલકે ઠોકર મારતા રીક્ષા પડીકું વળી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક અને તેમાં સવાર 3 વ્યકિતને ઇજા પહોંચી હતી. ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.

જેમાંથી ગંભીર રીતે ઘાયલ એક વ્યકિતને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવના પગલે રોષે ભરાયેલા ટોળાંએ મોટરકાને આગ ચાંપી સળગાવી નાખી હતી. આથી પોલીસ કાફલો દોડી ગયો હતો.

જામનગરના લાલપુર બાયપાસથી રણજીતસાગર તરફ જવાના માર્ગ પર ધોરીવાવ નજીક ગોલાઇમાં ગુરૂવારે રાત્રીના પૂરપાટ ઝડપે જઇ રહેલી એક મોટરકારના ચાલકે સામેથી આવતી ઓટો રિક્ષાને જોરદાર ઠોકર મારતા ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. કારની ઠોકરના કારણે રિક્ષાનું પડીકુ વળી ગયું હતું.

આથી રીક્ષાના ચાલક અને તેમાં સવાર ત્રણ મુસાફરને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે.

બનાવની જાણ થતાં ટોળાં એકત્ર થયા હતાં. આટલું જ નહીં રોષે ભરાયેલા ટોળાંએ સ્થળ પર પડેલી અકસ્માત સર્જનાર મોટરને આગ ચાંપી દીધી હતી. આથી બનાવના સ્થળે તથા હોસ્પિટલમાં મોડીરાત્રી સુધી પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો.