Gujarat

દહેગામ રોગચાળાના ભરડામાંઃ કોલેરાનો વધુ 1 કેસ નોંધાયો

દહેગામ શહેરમાં છેલ્લા ચાર દિવસથી કોલેરાના કેસે દેખા દેતા તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું. પાલિકાના તંત્ર ઉપરાંત શહેર તાલુકા અને જિલ્લાનું તંત્ર પણ દોડી આવ્યું છે દહેગામના ખાડા વિસ્તારમાં ત્રણ અને ચાર વર્ષના બે બાળકોને કોલેરા થયો હતો ત્યારબાદ ખાડા વિસ્તારની જ એક કિશોરી તેમજ ઘેલશાહના મહોલ્લામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા નો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શહેરના વાસણા રાઠોડ રોડ ઉપર આવેલા ભીમરાપુરા ખાતે રહેતી એક 25 વર્ષીય ગર્ભવતી મહિલાને ઝાડા ઉલટી થયા બાદ તેનો રિપોર્ટ કરાવવામાં આવતા કોલેરા પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી તંત્ર દોડતું થઈ ગયું છે.

દહેગામ શહેરમાં ચારેક દિવસથી કોલેરાના કેસો મળી આવતા પાલિકા તંત્ર આરોગ્ય તંત્ર તેમજ જિલ્લાનું વહીવટી તંત્ર દોડી આવી સતત નજર રાખી રહ્યું છે દહેગામના મામલતદાર રોનક કપૂર ઉપરાંત ચીફ ઓફિસર ઉમાબેન રામીણા પાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ અસારી તેમજ જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે

જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય જિલ્લા વિકાસ અધિકારીએ શહેરના સરકારી દવાખાને દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી તેવામાં ગઈકાલે ભીમરાપુરા વિસ્તારની એક 25 વર્ષીય ગર્ભવતી મહિલાને ઝાડા ઉલટી થતા દહેગામના સરકારી દવાખાને સારવાર લેવા માટે આવી હતી જ્યાં તેનો કોલેરાનો રિપોર્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો જેથી તે મહિલાને સઘન સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાઈ હતી બીજી તરફ ભીમરાવપુરા વિસ્તારમાંથી વધુ એક કેસ મળી આવવાના કારણે તંત્ર કોલેરા થવાના કારણનું મૂળ શોધવા માટે લાગી ગયું છે

જ્યારે પાલિકા તંત્ર પાણી પુરવઠાની પાઇપલાઇનનોની તપાસ કરાવી રહ્યું છે બીજી તરફ દહેગામમાં પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે બરફની ફેક્ટરી આઇસ ગોળાની લારી, દુકાનો,શેરડી રસના કોલા તેમજ નોનવેજ શોપ ને બંધ કરાવી દીધું છે હાલ આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી છે શહેરમાં કોલેરાના પોઝિટિવ કેસ મળી આવતા નગરજનોમાં પણ ચિંતા પ્રસરી રહી છે અત્યાર સુધી શહેરના કુલ પાંચ લોકો કોલેરાની ઝપેટમાં આવી ગયા છે.