અમદાવાદના ગોતમાં ગઈકાલે (20 જુલાઈ) રાતે એક રિક્ષાચાલકે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. રિક્ષાચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી, જેના કારણે બન્ને મહિલાને ઈજા પહોંચી છે. જ્યારે એક નાની બાળકીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી, જેને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. અકસ્માત બાદ લોકોએ ભેગા મળીને રિક્ષાચાલકને ઝડપીને પોલીસને જાણ કરી હતી. રિક્ષાચાલકની ધરપકડ કરીને એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.
અકસ્માત બાદ રિક્ષા પલટી ખાઈ ગઈ
ગોતા વંદે માતરમ્ ચાર રસ્તા પાસે ગઈકાલે રાતે 9:15 વાગ્યાની આસપાસ એક રિક્ષાચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. રિક્ષાચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી અને રિક્ષા પણ પલટી ખાઈ ગઈ હતી. બંને મહિલાને અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં એક ચાર વર્ષની બાળકીને પણ સામાન્ય ઈજા થઈ હતી, જેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને સારવાર બાદ હોસ્પીટલમાંથી પણ રજા આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ ભેગા મળીને રિક્ષાચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

એક મહિલાના પગે ફેક્ચર
એ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને રિક્ષાચાલકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં રુક્ષાચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એ ડિવિઝન પીઆઈ પી. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં બે મહિલાને ઈજા થઈ હતી, જેમાંથી એક મહિલાને ફેક્ચર થયું છે. રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.