અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્લોટર હાઉસમાં ગેરકાયદેસર રીતે ભેંસોને લાવીને કતલ કરવામાં આવતું હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. નિયત કરેલી સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં ભેંસોને બહારના લોકો કતલખાનામાં લાવીને કતલ કરાવતા હોવાના આક્ષેપ કરાયા છે. જેને લઈ મ્યુનિ. સ્લોટર હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે, જે પશુઓને કતલ માટે લાવવામાં આવે છે, તેનું વેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તમામ પ્રકારની ચકાસણી અને નોંધ કર્યા બાદ જ કતલ કરવામાં આવે છે.
‘કતલમાં સ્લોટર હાઉસના કર્મીઓની મિલીભગત’
ભાજપ શહેર પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહએ આક્ષેપ કર્યો હતો કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્લોટર હાઉસમાં નક્કી કરવામાં આવેલી સંખ્યા કરતાં વધુ સંખ્યામાં બહારના લોકો ભેંસોને લાવીને કતલ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લોટર હાઉસના કર્મચારીઓની મિલીભગતથી બહારના લોકો પોતાના પશુને લાવીને કતલ કરે છે. ગેરકાયદેસર રીતે કતલ કોર્પોરેશનના કતલખાનામાં ચાલે છે. સ્થાનિક ધારાસભ્ય સહિત કેટલાક ધારાસભ્યો પાસે આ ગેરકાયદેસર કતલ થતું હોવાની માહિતી હતી. જે અંગે કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

અઠવાડિયામાં 212 પશુ કતલ કરવાની પરવાનગી
કોર્પોરેશનના કતલખાનામાં બહારના લોકો આવીને ગેરકાયદેસર રીતે કતલ કરતાં હોવાનું ધ્યાને આવ્યું છે. જેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યોના આક્ષેપને લઈને સ્લોટર હાઉસના અધિકારી ડો. પ્રતાપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સ્લોટર હાઉસમાં મોટા પશુઓ અઠવાડિયાના 212ની કતલ કરવાની પરવાનગી આપવામાં છે. જ્યારે નાના પશુઓનું કતલ માટે કોઈ સંખ્યા નક્કી નથી.

‘સ્લોટર હાઉસમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે’
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે પણ પશુઓને કતલખાનામાં લાવવામાં આવે છે, તેનું વેટરનિટી ડોક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવે છે. તેની કોમ્પ્યુટરાઈઝ્ડ પહોંચ બનાવીને આપવામાં આવે છે. સ્લોટર હાઉસમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. તમામ પ્રકારના રજીસ્ટર હોય છે, તેમાં નોંધ કરવામાં આવે છે. હેલ્થ વિભાગ દ્વારા જે લાયસન્સ આપવામાં આવ્યું હોય તેઓને જ કતલ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે.