Gujarat

ખેડા જિલ્લામાં 5 પાલિકા, બે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું, રાજકીય પક્ષોએ પૂર્વ તૈયારીઓ આરંભી

ખેડા જિલ્લામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંભવિત જિલ્લા પંચાયત અને 5 પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને જિલ્લાના રાજકીય પક્ષોએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બે‌ મહત્વના પક્ષ ભાજપ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. જેથી જિલ્લામાં કડકડતી ઠંડીના ચમકારા વચ્ચે ગરમાવો આવી ગયો છે.

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ આગામી દિવસોમાં જામશે. જેમાં ખેડા જિલ્લા પંચાયત અને 5 નગરપાલિકા ખેડા, ડાકોર, મહેમદાવાદ, મહુધા અને ચકલાસી તેમજ કઠલાલ અને કપડવંજ એમ બે તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. સંભવિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આ ચૂંટણી યોજાઈ શકે છે.

આ ચૂંટણી પહેલા જ જિલ્લાના બે મહત્વના પક્ષોએ સંગઠનને મજબુત કરી ચૂંટણીની તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ શાસિત જિલ્લામાં જિલ્લા પંચાયત છેલ્લા કેટલાક ટર્મથી ભાજપના કબજામાં છે.

જ્યારે 5 પાલિકાની જો વાત કરીએ તો, આ પાંચેય નગરપાલિકાની મુદ્દત 2 માર્ચ 2023ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે આ પાંચેય પાલિકાના પ્રથમટર્મમાં ભાજપનું શાસન હતું. જયારે બીજા ટર્મમાં પાંચ પૈકી ત્રણ પાલિકામાં ભાજપની સત્તા રહી હતી. જેમાં મહેમદાવાદ, ડાકોર અને ચકલાસી નગરપાલિકાનો સમાવેશ થાય છે.

જયારે ખેડા નગરપાલિકામાં બીજા ટર્મમાં ભાજપ પાસેથી સત્તા આંચકીને અપક્ષે સત્તા સંભાળી હતી. મહુધામાં ભાજપ પાસેથી સત્તા આંચકીને કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. હાલ આ પાંચેય પાલિકાની બીજી ટર્મ પૂર્ણ થતા વહીવટી શાસન છે.

પાંચેય નગરપાલિકાના વોર્ડ સીમાંકન અને અનામતની ફાળવણી કરવામાં આવી હતી. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડાના આધારે 50 ટકા મહિલા બેઠકો (અનુસૂચિત સ્ત્રી, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી અને પછાતવર્ગ સ્ત્રી સહિતનો સમાવેશ)ની સંખ્યા નક્કી કરવામાં આવી છે. આ પાંચેય પાલિકાની 136 બેઠકો પૈકી 90 અનામત અને 46 સામાન્ય બેઠકો જાહેર કરવામાં આવી છે. આ તમામ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. હાલ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. આ સાથે બે તાલુકા પંચાયત કઠલાલ અને કપડવંજની પણ ચૂંટણી યોજાવાની છે.

જિલ્લા કોંગ્રેસે આગામી જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે કવાયત તેજ કરી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સેક્રેટરી રામકિશન ઓઝાએ ખેડા જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે આજે બેઠક કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે કોંગ્રેસના તમામ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ તેમજ સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઈ હોવાનું રામકિશન ઓઝાએ જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લાના નેતાઓ સામુહિક નિર્ણય કરી બેઠકો ઉપર મુલાકાત કરશે. આગામી સહકારી અને પંચાયતી ચૂંટણીઓમાં અમારો વિજય નિશ્ચિત છે તેવી આશા વ્યક્ત કરી છે.