Gujarat

મહુધાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કાગળ પર ઉકેલના ઘોડા દોડાવતા રોષ

મહુધા મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સરકારી બાબુઓ દ્વારા કાગળ પર ઉકેલના ઘોડા દોડાવવામાં આવતાં અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે.દબાણો દૂર કરવા માટે માત્રને માત્ર નોટિસ આપીને સંતોષ માનતાં સરકારી બાબુઓ સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તેવાં આશયથી મહિનાનાં દર ચોથા બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે.પરંતુ બુધવારની જાહેર રજા હોવાથી મહુધા ખાતે એક દિવસ અગાઉ તાલુકા સ્વાગત કાર્યક્રમ મહુધા મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.ત્રણ પ્રશ્નો તાલુકા પંચાયતને જ્યારે અન્ય ત્રણ પ્રશ્નો નગરપાલિકાને લાગતાં રજુ થયા હતા.

સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ હોવાથી કચેરીની બહાર ગેરકાયદેસર અડિંગો જમાવીને કટકી કરતાં બાબુઓનાં એકપણ મળતીયાઓ ફરક્યા ન હતાં.પરંતુ કલેક્ટર ન આવતાં મહુધા મામલતદારના પી એસ ભુરીઆનાં અધ્યક્ષસ્થાને કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો.જેમાં છેલ્લાં ઘણાં વર્ષથી ચાલતો અલીણા દબાણનાં પ્રશ્ન મામલે બાબુઓ દ્વાર વધુ એક વખત નોટીસ આપી કાગળ પર ઘોડાં દોડાવતા અરજદારમાં ભારે નિરાશા વ્યાપી હતી.જ્યારે બીજી તરફ મહુધા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર સર્જાતી ભુગર્ભ ગટરની સમસ્યાનો પ્રશ્ન પણ આ કાર્યક્રમમાં પહોંચ્યો હતો.

જોકે પાલીકામાં હાલ વહીવટદાર તરીકે મહુધા મામલતદારને મુકવામાં આવ્યાં છે.ત્યારે પાલિકાનાં વહીવટદાર ખુદ સ્વાગત કાર્યક્રમનાં અધ્યક્ષ હોવાથી ભુગર્ભ ગટરનો ઠિકરો ચીફ ઓફિસર અને નડિયાદ ગટર અને પાણી વ્યવસ્થા બોર્ડ પર ફોડ્યું હતું. ત્યારે વારંવાર ભુગર્ભ ગટર મામલે તાલુકા સ્વાગતમાં રજુઆત કરવાં છતા નક્કર કામગીરી કરવામાં ન આવતાં અરજદારોમાં ભારે રોષ ફેલાયો હતો.બીજી તરફ જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાવાનો હોવાથી પહેલી વખત તમામ વિભાગનાં બાબુઓએ હાજરી આપી હતી.