કચ્છમાં હાલ શિયાળાની હાડ થિજાવતી ઠંડીના કારણે લોકો શરીરને ગરમ રાખવા તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. વધુ પડતી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખવા લોકો ગરમ વસ્ત્રો, યોગ કસરત સાથે ગરમ વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. ખાસ કરીને કચ્છનાં પ્રખ્યાત ગરમ મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વિશેષ બની છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારતા અડદીયા હાલ ભુજની 60થી વધુ સ્વીટ શોપમાં મળી રહ્યા છે. આ સિવાય સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અડદિયા વાનગીનું રાહત ભાવે વેંચાણ થઈ રહ્યું છે. જોકે લોકોના મનભાવક કાળા અડદિયા હાલ પ્રતિ કિલો 800ને પારના ભાવે પહોંચી ગયા છે. આ અંગે અડદિયા અને તેની વિશેષતા તેમજ માગ વિશે મીઠાઈના વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.
મુન્દ્રા રોડ સ્થિત શ્રીજી સ્વીટના નેહલભાઈ ઠક્કરે કહ્યું હતું કે જિલ્લામાં નવરાત્રિ પછી અને દિવાળીના તહેવાર પહેલા મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરી દે છે. શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદા છે. અડદિયા શરીરને આખા વર્ષ માટેની તાકાત પણ પૂરી પાડે છે.

શિયાળાનો કિંગ એટલે અડદિયા અડદિયામાં મુખ્યત્વે વપરાતી અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, આ ઉપરાંત તેમાં ગરમ ગણાતા મસાલા અને 38 પ્રકારના તેજાનાનાખવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ કચ્છમાં શિયાળાની શરૂઆત મોડી થઈ પરંતુ હવે ઠંડીની જમાવટ થતા હવે અદડીયાની માગ વિશેષ રહેશે અને હવે અડદિયાનું વેંચાણ વધે તેવી આશા છે.

શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા અડદિયાને લોકો વધુ પસંદ કરે છે- વેપારી વર્ષ 1970થી કાર્યરત અને હાલ શહેરના હોસ્પિટલ રોડ સ્થિત સૌથી જૂની ખાવડા મેસુક ઘર સ્વીટના રાજુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, આ વર્ષે ત્રણથી ચાર પ્રકારના અડદિયા બનાવવામાં આવ્યા છે. જેમાં સુગર ફ્રી, ગોળના અને ખાંડના અડદિયા મુખ્ય છે. હાલ 600, 840 અને રૂ.950 પ્રતિ કિલોના ભાવે અદડીયાનું વેંચાણ થઈ રહ્યું છે. અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, ગાયનું દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ તેમજ 38થી 45 જેટલા વિવિધ મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયામાં ભરપૂર માત્રામાં તેજાના હોય છે જેને લઈ શિયાળાની ઠંડીમાં તે શરીરને ગરમાહટ આપે છે.

શરીરને ગરમ રાખતા મસાલામાંથી બને છે અડદિયા જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે. અડદિયાના એક કિલોના ભાવ 400થી લઈને 1100 સુધીના છે,આજે પણ કચ્છ સહિત દેશભરમાં તેમજ વિદેશમાં પણ કચ્છી અડદિયાની ખૂબ માંગ રહેતી હોય છે. કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે.વિદેશ વસતા બૃહદ કચ્છના લોકો પણ સગા સબંધીઓ પાસેથી અચૂક અડદિયા મંગાવે છે. હવે તો સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો દ્વારા પણ અડદિયા બનાવીને રાહતદરે વેંચાણ કરવામાં આવે છે.