Gujarat

જામનગર શાળા નં.10/37માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- 2024ની હર્ષભેર ઉજવણી

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નં. 10/37 ખાતે આજ તા. 26-6-2024ના રોજ બાલવાટિકા અને ધોરણ -1 માં પ્રવેશ લીધેલ બાળકો માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મહેમાનોનું કન્યાઓના હસ્તે કુમકુમ તિલક કરી બેન્ડના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા નં.10ની કન્યાઓએ સ્વાગત ગીત દ્વારા અને શાળા નં. 37ના આચાર્ય વિક્રમસિંહ જાડેજા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાબ્દિક સ્વાગત બાદ મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. મહેમાનોના સ્વાગત બાદ શાળા નં. 37ના કુમારો દ્વારા સંગીતના તાલે યોગની દિલધડક કૃતિ રજુ કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક કૃતિઓ બાદ સૌપ્રથમ આંગણવાડીના બાળકોને, ત્યારબાદ બાલવાટિકા અને ધોરણ 1મા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કુલબેગ, કંપાસ, પાણીની બોટલ તેમજ શૈક્ષણિક કીટ આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

તેમજ ગત વર્ષે ધો 3થી 8મા 1 થી 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર આયોજીત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ઈનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

રામભાઇ કુંભારવાડિયા, ડી.એન પરમાર અને પ્રવિણસિંહ જાડેજા દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ શાળાની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનાં હસ્તે શાળા મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.