રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં વડોદરા સહિત અલગ-અલગ શહેરમાં એમ્યૂઝમેન્ટ પાર્ક, એડવેન્ચર પાર્ક, ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા હતા. જેના 5 મહિના અને 12 દિવસ બાદ હવે નવા નિયમો અનુસાર ડોક્યુમેન્ટની પૂર્તતા કરાતાં કમાટીબાગની જોય ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન શરૂ થતાં જ સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગત મે મહિનાના રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ ઘટના બાદ સરકારે રાજ્યમાં તમામ શહેરોમાં ગેમઝોન, એમ્યૂઝમેન્ટ પાર્ક, એડવેન્ચર પાર્ક સહિતની રાઈડને બંધ કરાવવામાં આવી હતી. સરકારે નવી એસઓપી બનાવી તેના નિયમોની પૂર્તતા કર્યા બાદ જ શરૂ કરવા સૂચના આપી હતી.
શહેરના કમાટીબાગમાં જોય ટ્રેનને પણ રાજકોટ અગ્નિકાંડ બાદ બંધ કરાઈ હતી. જોકે 5 મહિના અને 12 દિવસ બાદ નવા નિયમોનુસાર ડોક્યુમેન્ટની પૂર્તતા કરતા જ ગુરુવારે બપોરે પોલીસ કમિશનરે લાઇસન્સ આપ્યું હતું. જોય ટ્રેનના સંચાલકોએ લાઇસન્સ સહિતના દસ્તાવેજ જમા કરાવતાં જ પાલિકાએ રાઈડ શરૂ કરવા પરવાનગી આપી હતી. બપોરે પરવાનગી મળતાં જ જોય ટ્રેન રાઈડ શરૂ કરવામાં આવી હતી. મહિનાઓથી બંધ રહેલી જોય ટ્રેન શરૂ થતાં જ સહેલાણીઓમાં ખુશીની લહેર ફેલાઈ હતી.
રાઈડ 8 મહિના બંધ રહી, પાલિકાએ રાહત આપવી જોઈએ
હરણી બોટકાંડ બાદ 3 મહિના સુધી રાઇડ બંધ હતી. ત્યારબાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ 5 મહિના રાઇડ બંધ રહી છે. અંદાજિત 8 મહિના રાઈડ બંધ રહી છે. પાલિકામાં એડવાન્સ ભરેલા ભાડા સાથે, ફિક્સ ખર્ચ ચાલુ હતા. જેથી પાલિકા રાહત આપે તો સારું. આરએન્ડબીના સિવિલ અને મિકેનિકલ વિભાગ, ફાયર વિભાગ, આરોગ્ય, જોઈન્ટ સીપી, પાલિકાના ડે. કમિશનરની ટીમે સ્થળ વિઝિટ કર્યા બાદ લાઇસન્સ આપ્યું છે. > હિમાંશુ જોષી, મેનેજર, ખોડલ કોર્પોરેશન