રાજ્ય અને દેશમાં ચકચાર જગાવનાર કચ્છના નકલી ઇડી કેસ મામલે એક બાદ એક ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગત તા. 2ના ગાંધીધામની જવેલર્સ પેઢીના ઘરે બોગસ અધિકારીઓએ ઇડીના નામે દરોડો પાડીને રૂ.25.25 લાખની તફડંચીને અંજામ આપ્યો હતો. જે અંગે પોલીસે તા.4ના ફરિયાદ નોંધી આ મામલે એક મહિલા સહિત 12 આરોપીને ઝડપી પાડ્યા હતા. બરાબર એજ દિવસે આપ નેતા ગોપાલ ઇટલીયાએ એક્સ પર આરોપીઓની તરફેણમાં ટ્વીટ કરીને રમૂજ કરી હતી.
હવે એજ નકલી ઇડીના મુખ્ય સૂત્રધાર અને કચ્છના પત્રકાર અબ્દુલ સત્તાર માજોઠીના તાર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યા હતું. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે આ વાતની ગંભીરતાથી નોંધ લીધી છે અને આ ઠગબાજ દ્વારા અન્ય ઠગઈની ઘટનાને અંજામ આપી તે પૈસા આપની રાજકીય બેઠકમાં વાપર્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
જેને લઈ હવે પૂર્વ કચ્છ પોલીસ મુખ્ય આરોપી સાથે સંપર્કમાં આવેલા આપના ગોપાલ ઇટલીયા અને મનોજ સોરઠીયાની સમગ્ર મામલે પૂછપરછ કરી શકે છે, એવું ખુદ પોલીસવડા સાગર બગમારે જણાવ્યું છે.
આ અંગે પોલીસવડા સાગર બાગમાંરે આજે કહ્યું હતું કે, ગાંધીધામમાં જવેલર્સ પેઢીને ત્યાં નકલી ઇડીએ દરોડો પાડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, આ કેસના મુખ્ય સૂત્રધાર અબ્દુલ સત્તાર માજોઠી સહિત 12 આરોપી હાલ પોલીસ રિમાન્ડમાં છે.
આ આરોપી સામે જામનગર અને ભુજમાં હત્યા તથા હત્યાનો પ્રયાસ હેઠળ ફરિયાદ પણ નોંધાયેલી છે. ત્યારે મુખ્ય આરોપી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું ખુલવા પામ્યું છે. તેના દ્વારા આપની બેઠકમાં સક્રિય પ્રવૃત્તિ થતી હોવાનું અને તેમાં પૈસા ઉપીયોગ માં લીધા હોવાનું તેની પૂછપરછમાં સામે આવ્યું છે.
આ સિવાય ઘટના ના થોડા દિવસ પહેલા ભુજ સર્કિટ હાઉસ ખાતે આપના નેતા ગોપાલ ઇટાલિયા અને મુકેશ સોરઠીયા સાથે આરોપીની બેઠક પણ યોજાઈ હોવાનું બહાર આવ્યું છે, જેને લઈ આ દિશામાં જરૂર પડશે આપના નેતાઓની પૂછપરછ પણ કરવામાં આવશે.
આ સિવાય આગામી સમયમાં આરોપીએ મેળવેલા પૈસા અને મની ટ્રાન્જેક્શન મામલે પણ તપાસ કરવામાં આવશે. આરોપી ઘટનાના દિવસે જવેલર્સની દુકાન બહાર સતત હાજર હોવાનું ત્યાં લાગેલા સીસીટીવી કેમરામાં નોંધાયું છે, આ કેસમાં તમામ આરોપીની સધન પૂછપરછ ચાલી રહી છે. આપના બન્ને મોટા નેતાઓની પણ મની ટ્રેડ મામલે પૂછપરછ કારશે.
ઉલ્લેખનીય છેકે, ગઈકાલે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને માંડવી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી હારેલા કૈલાશદાન ગઢવી સાથેના નકલી ઇડી કેશના મુખ્ય સૂત્રધાર સત્તાર માજોઠીના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા, જેને લઈ અનેક સવાલો ઉભા થયા હતા, તો સામે પક્ષે પણ કચ્છના ભાજપી સાંસદ વિનોદ ચાવડા સાથેના ફોટો આપ દ્વારા જાહેર કરાયા હતા. ત્યારે નકલી ઇડી કાંડમાં હવે અસલી રાજકીય રંગ ભળી જતા મામલો વધુ ગરમાયો છે.