કચ્છના અલગ અલગ સ્થળે ત્રણ મહિલા ગુનાખોરીનો ભોગ બની હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ હતી. ભુજ તાલુકાના બન્નીના એક ગામની સીમમાં 52 વર્ષીય આધેડ મહિલા અને લખપત તાલુકામાં એક યુવતી સાથે દુષ્કર્મ ગુજારાતા ફરિયાદો નોંધાઈ હતી, તો માંડવીમાં 59 વર્ષીય પ્રોઢ મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરી શારીરિક અડપલાં થયાનો ગુનો નોંધાયો હતો.
ભુજના દુર્ગમ ખાવડા પોલીસ મથકે બન્નીના એક ગામની 52 વર્ષીય આધેડ વયની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 20ના સાંજે આરોપી તૈયબ મામદ હાલેપોત્રાએ મહિલાની એકલતાનો લાભ લઈ સીમમાં બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે બીએનએસની કલમ 64 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ દયાપર પોલીસ મથકે લખપત તાલુકાના એક ગામની અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતીએ આરોપી આરોપી નાશીર તાલબ નોતિયાર સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી. આરોપી જાણતો હતો કે, ફરિયાદી પુખ્તવયની નથી છતાં બે વર્ષ પહેલાંથી તા.19 ડિસેમ્બર સુધી અવાર નવાર ફરિયાદીની સહમતી અને મરજી વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી ફરિયાદીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દયાપર પોલીસે પોકસો અને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.
ત્રીજો બનાવ માંડવી પોલીસ મથકે નોંધાયો હતો, જ્યાં શહેરમાં રહેતા 59 વર્ષીય પ્રૌઢ મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે ગત તા.20ના રાત્રે 10 કલાકે માંડવીના જ આરોપી ઇબ્રાહિમ અલીમાંમદ કુંભારે ઘરની અંદર ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો હતો અને શારીરિક અડપલાં પણ કર્યા હતા. સાથેજ કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. પોલીસે છેડતીની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.