Gujarat

મેઘપર ખાતે મેઘેશ્વર મહાદેવ મંદિરે મહાઉત્સવ ઉજવાશે

ભુજ તાલુકાનું મેઘપર ગામ પટેલોની નાત માટે જાણીતું છે. આ ગામે અગાઉ પટેલોની નાત ભરાતી અને અહીં રજવાડાની અમુક નિશાનો પણ છે. 400 વર્ષના ઇતિહાસમાં પટેલ સમાજે પુરુષાર્થથી ઘણો વિકાસ કર્યો છે. ગામમાં ત્રણ મહાદેવના મંદિરો છે ગુણેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ અને મેઘેશ્વર મહાદેવ. જેમાં મેઘેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ નવ દિવસના કાર્યક્રમ સાથે મહાદેવજીનો મહાઉત્સવ ઉજવાશે. ટ્રસ્ટના ચેરમેન રમેશભાઇ હાલાઈના જણાવ્યાનુસાર ચાલુ વર્ષના અંતે શિવપુરાણ મહાકથા યોજાશે. જેની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે.

યુવા ટ્રસ્ટીઓ, મહિલાઓ, સાંખ્યયોગી બહેનો, ગ્રામજનો, સ્થાનિક તથા વિદેશના દાતાઓ તરફથી સમગ્ર કાર્યને પાર પાડવા માટે મોટું આયોજન હાથ ધરાયું છે. જે ગામની શોભામાં અભિવૃદ્ધિ કરશે અને પટેલ ચોવીસીમાં યોજાતા કાર્યક્રમમાં એક અનેરો કાર્યક્રમ હશે. આ માટે ગામના પૂર્વ સરપંચ ગોવિંદભાઈ હાલાઈ પણ જહેમત ઉઠાવી રહ્યા છે. ખાસ કરી યુગાન્ડા સહિત વિશ્વભરના મેઘપરવાસીઓ એક થઈ ગામના ભોલે બાબાનો ઉત્સવ સોળે કળાએ ઉજવવાના છે.

મુખ્ય દાતા ગિરધરભાઈ મેઘજી પિંડોરીયા (દારેસલામ), ધનજી નાનજી હાલાઈ (ઓસ્ટ્રેલિયા) તથા અન્ય કેસરા નારાણ હાલાઇ, અ.નિ.ધનજી શામજી હાલાઈ, કરસન હરજી હિરાણી, વેલજીભાઈ પ્રેમજી, જીતેન્દ્ર હિરાણી, હરજી કરસન, નારાણ કાનજી વાઘજીઆણી પરિવાર (યુગાન્ડા), જીતુભાઈ અને મુકેશભાઈ સહિત સ્વ.કાનજી કરસન હિરાણી નવ દિવસની શિવપુરાણ મહા કથામાં દાતા બનશે સાથે ગામના અને વિદેશના અનેક દાતા જોડાશે. મેઘપરના વિદેશમાં વસતા 1500 ગ્રામજનોમાંથી અંદાજે 500 જણ આવી ગામની શોભા વધારશે.

સમગ્ર સ્વામિનારાયણ સંસ્થાના અનુયાયીઓ સહિત રાધાકૃષ્ણ મંદિર અન્ય દેવ મંદિરો સાથે મહાજન સમાજ સહભાગી બનશે. ગામ નાનું પણ અહીં વિકાસ મોટો થયો છે. ગૌશાળા, પ્રાથમિક શાળાની સગવડો દાતાઓના સથવારે અને અનુદાનથી વિકસી છે. લંડન રહેતા મેઘપરવાસી હોય કે આફ્રિકામાં સૌ એક થઈ ગામના વિકાસ માટે ખંભે ખંભા મિલાવી આગળ વધી રહ્યા છે તે જોવા મળ્યું છે. જે અહીં થયેલા કાર્યો તેની સાક્ષીરૂપ છે.

નવ દિવસ સાંસ્કૃતિક-સાહિત્ય કાર્યક્રમો, સંમેલનો, ભજન સહિતથી ગામ ધમધમી ઉઠશે

સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા-મહિલા સંમેલનો, સાહિત્ય સાથે સંત સંમેલન, રાત્રી કાર્યક્રમો, ભજન કીર્તન સહિત અનેક કાર્યક્રમોના આયોજન થનારા છે. સામાજિક સમરસતા સાથે સનાતન ઐક્ય અને હિન્દુ ધર્મના સિદ્ધાંતો અત્રે પાયામાં છે તેમજ મેઘપરમાં સમગ્ર સંસ્થાનો વિકાસ પુરુષાર્થી પટેલોએ આગવી રીતે કર્યો છે. પટેલોના યુવા-યુવતીઓ આ કાર્ય માટે ઉત્સાહભેર દેશ-વિદેશમાં સક્રિય થયા છે.

એક કરોડના ખર્ચે નિર્મિત મહાદેવ વાડીનો વિકાસ ઉડીને આંખે વળગે

​​​​​​​મેઘપરમાં અનેક વિકાસ કામ સાથે આવેલી મહાદેવજી સંસ્થાની વાડીને હજાર જેટલા આંબાના વૃક્ષો નવી ટેકનોલોજી મુજબ વાવીને હરિયાળી બનાવાઈ છે. વાડીની દિવાલો અન્ય સુવિધાઓ સાથે સજીવ ખેતીને ધ્યાને લઈ નવીનીકરણ કરાયું છે. જેમાં ગામમાંથી નાના-મોટા સૌપ્રથમ શ્રદ્ધાળુઓ પૂર્ણ આસ્થા સાથે દાનની ઝોળી છલકાવી છે. ભુજ-માંડવી રોડ પર આવેલા શિવફાર્મ અનેરૂ શોભારૂપ બન્યું છે. ઉપરાંત ગામનું મુખ્ય મેઘેશ્વર મહાદેવ મંદિર પ્રસાદી સ્થળ છે તેમજ ગુણેશ્વર અને ગંગેશ્વર મંદિરોમાં પણ સૌ સનાતની આસ્થા ધરાવે છે અને નિયમિત તહેવારો ઉજવાય છે. અંદાજિત એકાદ કરોડના ખર્ચે મહાદેવ વાડીનો વિકાસ ઉડીને આંખે વળગે છે અને મેઘપરના મંદિરો પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યા છે. ગાયોના ઘાસચારા, ગૌશાળા વગેરે વ્યવસ્થા અનેરી છે.