Gujarat

માંડવીની મેડિકલ પડતર ભાવે દવા આપી આશીર્વાદરૂપ બનશે

મોંઘવારીના સમયમાં દવાઓના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી નાછુટકે મોંઘા ભાવની દવાઓ સામાન્ય વર્ગના લોકોને ખરીદવી પડતી હોવાથી તેમાંથી છુટકારો મળે તેવું સરાહનીય પહેલમાં પ્રથમ વખત ચેરિટી ટ્રસ્ટ દ્વારા ‘નહીં નફો નહીં નુકસાન’ના સિધ્ધાંત સાથે પડતર ભાવે તમામ દવાઓ આશીર્વાદ મેડિકલમાં મળી શકશે, જેનો પ્રારંભ 20 ડિસેમ્બરથી માંડવીમાં થવા જઇ રહ્યો છે, જે આર્થિક રીતે નબળા લોકો માટે આશીર્વાદરૂપ સેવા બની રહેશે.

માંડવીના જાણીતા જે.એચ.ખોજા વેલફર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તમામ જ્ઞાતિઓના જરૂરતમંદ લોકોના ગંભીર ઓપરેશન માટે આર્થિક અને મેડિકલ માટે મદદરૂપ બનીને સહાયની સુવાસ ફેલાવી રહી છે. પ્રસિદ્ધિ માટે ક્યારે આગળ નહીં આવતી આ સંસ્થા આશીર્વાદ મેડિકલ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ સંપૂર્ણ એલોપથી દવાઓ ‘નહીં નફો નહીં નુકસાન’ સાથે પડતર ભાવે આપશે.

20 ડિસેમ્બરના સવારે 9:30 કલાકે ધારાસભ્ય અનિરુદ્ધ દવે, એમ્સ હોસ્પિટલના ડો.કૌશિક શાહ મેડિકલ સેવાનું ‘પરબ’ બાબરિયા કોમ્પ્લેક્સ, શોપ નંબર 2, છાપરાવાળી શેરી (કેટીશાહ રોડ) ખાતે ખુલ્લું મૂકશે. 2022માં દવાની કિંમતમાં અમુક દવાઓમાં 12 થી 15 ટકા દવાઓ પર વધારો કરાયો હતો. આથી મધ્યમ વર્ગના તમામ લોકોને મદદરૂપ બનવાનો વિચાર આવ્યો હતો, જેની અમલવારી થઈ રહી છે.

દવાઓ પર કોઇપણ ચાર્જ લગાડ્યા વગર પડતર ભાવે તમામ દવાઓ મળશે એમ જે.એચ.ખોજા વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચેરમેન આદિલ ખોજાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું હતું. લોકોની સેવામાં મદદરૂપ થવા માટે અલીરાજા ખોજા, નિહાલ ખોજા, સાહિદ ખોજા, અહેસાન ખોજા, મિતેષ મહેતા, મિત શાહ, જીનલ બગડા સહિતના લોકોનો સહયોગ સાંપડ્યો છે.

મોટા રોગની દવાઓ મોંઘી હોય, અહીં સસ્તી મળશે .

કિડની, કેન્સર જેવાં મોટા રોગની દવા મોંઘી હોય છે, જેથી એની પાછળ દવાનો ગાળો રાખવામાં આવે છે. તાલુકા આખામાં પ્રથમ એવું મેડિકલ બનશે, જ્યાં સસ્તી દવા લોકો માટે આર્થિક બજેટમાં બચત કરશે ‘આશીર્વાદ મેડિકલ’ લોકો માટે આશીર્વાદરૂપ બનતાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

20 ઓક્સિજન કન્સન્ટ્રેટર મંગાવીને લોકોના ઘેર પહોંચાડી જીવ બચાવાયો હતો .

આજ સંસ્થા દ્વારા કોરોનાની લહેરમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર મંગાવી લોકોના જીવ બચાવ્યા કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા હતાં ત્યારે આક્સિજનની ખપતને પહોંચી વળવા માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર પોર્ટેબલ મહત્ત્વનો સાબિત થતાં આ જ સંસ્થએ એકસાથે 20 ઓક્સિજન કન્સન્ટ્રેટર મંગાવીને લોકોના ઘેર પહોંચાડી જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.