Gujarat

કોંગ્રેસના સિનિયર નેતા અમિત ચવડાને હરાવીને મીતેશ પટેલ બન્યા વિજેતા

“હેટ્રીક’ – સતત ત્રીજી વખત આણંદ લોકસભા બેઠક પર ખીલ્યું કમળ

ગુજરાતની આણંદ લોકસભા બેઠક જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર વચ્ચે કમળ ખીલ્યું હતું. સતત ત્રીજી ટર્મમાં પણ આ બેઠક પર કમળ ખીલ્યું છે. અહિંયાથી ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલ (બકાભાઇ) વિજયી બન્યા છે. તેમણે ૧૬ રાઉન્ડના અંતે ૬,૧૨,૪૮૪ મત મેળ્યા છે. જે પૈકી ૮૯,૯૩૯ મતોની લીડ છે. સામે કોંગ્રેસના અમિત ચાવડાને ૫,૨૨,૫૪૫ મત મળ્યા છે.

પહેલાના સમયમાં કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ લોકસભા બેઠક પર પાર્ટીએ સિનિયર આગેવાન અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા હતા. તો બીજી તરફ ભાજપે મિતેષભાઇ પટેલને ઉતાર્યા હતા. મિતેષ પટેલનો આંતરિક વિરોધ વધારે હોવાના કારણે તેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવારને મળે તેવી આશા હતી. પરંતુ આશા અધુરી રહી ગઇ છે. લોકોએ મિતેષ પટેલને ફરી એક વખત વિજેતા બનાવીને સાંસદ મોકલવાનું મન બનાવી લીધું છે. જે પરિણામોમાં છલકાઇ રહ્યું છે.

પાટીદાર અને ઓબીસી મતદારો આણંદ બેઠક પર ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી આજ લોકસભા બેઠક પર આવેલી છે. કોંગ્રેસના નેતા ઈશ્વર ચાવડા પાંચ વખત આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વર્ષ ૧૯૫૭ થી ૨૦૧૯ સુધીમાં આણંદ બેઠક પર ભાજપને ૪ વખત જીત મળી છે. વર્ષ ૨૦૧૪ બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા છે.

વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ લોકસભા બેઠક પર જનતા પાછલા બે ટર્મથી ભાજપને આશીર્વાદ આપી રહી છે. જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેષ પટેલ સામે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. જે બાદ તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા પાર્ટીએ અમિત ચાવડાની પસંદગી કરી હતી. અમિત ચાવડાએ જીત મેળવવા માટે કોઇ કસર છોડી ન્હતી. પરંતુ ચૂંટણીનું પરિણામ તેનાથી વિપરીત આવ્યું છે. અને પ્રજાએ કમળ ખીલવ્યું છે.