વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતાં ચકલીના માળા તેમજ આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણની સેવાકીય પ્રવૃત્તિઓને ધારાસભ્યે બિરદાવી નગરજનોએ પણ આ મુંગા અબોલ પક્ષીઓને બચાવવા માટે પોતાના આંગણામાં ચકલીના માળા તથા પાણીના કુંડા મૂકી આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવા જાહેર અપીલ કરી.
આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અહીં સાવરકુંડલા ખાતે આવેલ વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તથા પાણીના કુંડા જાહેર સ્થળોએ મૂકવાનો પ્રારંભ કરવામાં આવ્યો. અને કોઇ પણ વ્યક્તિને ચકલીના માળા કે પાણીના કુંડાની જરૂરિયાત હોય તો વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની હેલ્પ લાઈન ૯૦૯૯૦૫૮૧૫૮ સંપર્ક કરવા જણાવાયું હતું અને આવી સેવાકીય પ્રવૃત્તિઓને સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ બિરદાવી અને મુંગા અબોલ પક્ષીઓ માટે પાણી અને રહેઠાણ માટે માળાનો પોતાના ઘર કે આંગણામાં ઉપયોગ કરવા જાહેર અપીલ કરી હતી. આમ પણ પશુ પક્ષી વૃક્ષ ફળ ફૂલછોડ એ તમામ પ્રકૃતિના અંશો છે અને માનવજાત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગને ખાળવા માટે પણ હવે પ્રકૃતિનું જતન જીવની જેમ કરવાનો સમય આવી ચૂક્યો છે. આ સંદર્ભ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા વર્ષોથી પ્રકૃતિના નયન રમ્ય રૂપને બચાવવા સતત પ્રયત્નશીલ છે. જરૂર છે લોકસહયોગ અને લોક જાગૃતિની.. પ્રકૃતિ હશે તો જ માનવ જીવન સમ્યક રીતે પાંગરતું રહેશે એ વાત નિર્વિવાદ છે.. ચકલી બચાવની આ ઝૂંબેશને લોકસહયોગ આવશ્યક છે. આજે નહીં સમજાય તો ભવિષ્યમાં આ હર્યાભર્યા વિસ્તારને પણ વેરાન રણમાં પરિવર્તિત થતાં વાર નહીં લાગે.!! માટે આપડા સ્વાર્થ ખાતર પણ આપણે ચકલી બચાવ જેવી ઝૂંબેશમાં આપણું મહત્તમ યોગદાન આપવું જોઈએ.