છોટાઉદેપુર સ્પેશિયલ પોકસો કોર્ટના ન્યાયાધીશ સી.કે.મુનશી સાહેબ દ્વારા 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે,પાવીજેતપુર તાલુકાના ખાંડીયા અમાદર ગામના સંજય સોનકા રાઠવા દ્વારા ગત તારીખ 29 /03/2021ના રોજ પાવીજેતપુર તાલુકાના એક ગામની 8 વર્ષની બાળકીને એકાંતમાં અવાવરું જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું,પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવતા સગીર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે IPC ની કલમ 376 AB તેમજ જાતીય ગુનાઓથી રક્ષણ બાબત અધિનિયમ 2012 ની કલમ 4 એટલેકે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી સંજય સોનકા રાઠવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. બનાવ અંગેનો કેસ છોટાઉદેપુર સ્પેશિયલ પોકસો કોર્ટના ન્યાયાધીશ સી.કે.મુન્સી સાહેબની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ દ્વારા કરાયેલ ધારદાર દલીલો 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને 13 સાક્ષીઓની જુબાની આધારે સમાજમાં જાતીય બાળ ગુનાહિત કૃત્ય આચનાર લોકોમાં કાયદાનો ડર બેસાડવા સમાજમાં દાખલા રૂપ હુકમ કરતા આરોપી સંજય સોનકા રાઠવાને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 25000નો દંડ તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 7ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરવી સદર અધિનિયમની કલમ 8ના અન્વયેના શિક્ષા પાત્ર ગુનામાં 5 વર્ષની કેદની સજા અને રૂપિયા 15,000 નો દંડ ફટકાર્યો છે.
અને આ બંને સજાઓ એકી સાથે ભોગવવાનો હુકમ કર્યો છે,સાથે ભોગ બનનાર સગીર બાળકીની આર્થિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફોજદારી કાર્યરિતી સંહિતાની કલમ 357(A) તથા ગુજરાત વિકટીમ કોમ્પનસેશન સ્કીમ 2019 ની જોગવાઈઓ મુજબ ભોગ બનનારને વળતર પેટે રૂ.ચાર લાખ નું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરને ભલામણ કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

