Gujarat

વ્યસની દિયરના ત્રાસથી પરીણિતાએ 181 અભયમની મદદ લીધી, ઘર ખર્ચ બાબતે ખોટી કનડગતે ભાભી-દિયરના સંબંધમાં ખટાસ આવી

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ મહિલા અભયમને એક કોલ મળ્યો હતો. જેમાં પીડીત પરીણિતાએ પોતાના દિયરના ત્રાસથી ટીમની મદદ માંગી હતી.

ઘર ખર્ચ બાબતે ખોટી કનગતે ભાભી-દિયરના સંબંધમાં દરાર આવી હતી. જોકે મહિલા અભયમની ટીમે સ્થળ પર પહોંચી આ ભાભી-દિયરના સંબંધમાં સુલેહ સ્થાપી છે.

181 મહિલા હેલ્પલાઇનમાં ફોન આવ્યો હતો જેમાં પીડીત પરીણિતાએ જણાવેલ કે, તેમના દિયર અપશબ્દો બોલી ઝગડો કરે છે અને માનસિક ત્રાસ આપે છે.

જેથી મહિલા અભયમની ટીમ ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યા પરીણિતાએ જણાવેલ કે, તેમના પતિને કેન્સરનું આપોરેશન કર્યુ છે, એ બોલી શકતા નથી. ઘરમાં તેઓ તેમના પતિ, દીકરા અને દિયર સાથે રહે છે.

દિયર પોતે અપરીણિત છે અને કોમ્પ્યુટર ઓપરેટરમાં નોકરી કરે છે. પીડીતાના પતિ અત્યારે નોકરી કરી શકે એવી સ્થિતિમાં નથી‌. તો પણ ઘરનું કરિયાણું ભરે છે. આ ઉપરાંત ગેસ, લાઈટ બિલ તમામ આ કેન્સરગ્રસ્ત પતિના સેવિંગમાથી કરાય છે.

આમ છતા દિયર અવારનવાર પોતાની ભાભીને ટોન્ટ મારે છે અને કહે ‘તમને લોકોને હું પાલવુ છું’, વ્યસન કરી આવી અવારનવાર ઝઘડો પણ કરતા હતા. જેથી મહિલા અભયમની ટીમે દિયર સાથે વાતચીત કરી સમજાવ્યાં હતા.

બાદમાં દિયરને પોતાની ભુલ‌ સમજાઈ હતી અને આગળથી આ રીતે વ્યવહાર નહીં કરુ તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત દિયરે કહ્યું કે ‘હવેથી હું મારા ભાભીને કે ભત્રીજાને કે ભાઈને અપશબ્દો બોલીશ નહી અને હુ મારી રીતે જાતે જમી લઈશ અને ઘરનું લાઈટ બિલમાં અડધો ભાગ પણ આપીશ’ આમ દિયર-ભાભીના તકરારરૂપ સંબંધમાં મીઠાસ પુરવાનું કામ આ અભયમની ટીમે કર્યુ છે.