પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેંચાણને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. ઠેકઠેકાણે વોચ ગોઠવી અને ખાનગી બાતમી દારોથી પોલીસ છાપા મારી આવી દોરીઓને જપ્ત કરવાની કામગીરીમાં લાગી છે.
ત્યારે મહેમદાવાદ અને વડતાલ પોલીસે બે જુદીજુદી જગ્યાએથી આવી ચાઈનીઝ દોરીઓના જથ્થાને જપ્ત કર્યો છે. મહેમદાવાદ પોલીસે કનીજ ગામેથી અને વડતાલ પોલીસે ભુમેલ ગામેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 4 ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ પોલીસે ગતરોજ બાતમીના આધારે કનીજ ગામે વ્હોરાના ખાંચામાં બાતમીના આધારે દરોડો પાડી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો છે.
ચાઇનીઝ દોરીની 384 નંગ ફીરકા જેની કિંમત રૂપિયા 1 લાખ 15 હજાર 200 તેમજ મોબાઇલ, રોકડ રૂપિયા અને કાર મળી કુલ રૂપિયા 4 લાખ 32 હજાર 200ના મુદ્દામાલ સાથે એઝાજભાઇ ઐયુબભાઇ વ્હોરા (રહે. કનીજ પંચાયતની બાજુમાં તા.મહેમદાવાદ જી.ખેડા), પ્રિન્સ અતુલભાઇ જશવતભાઇ પટેલ (રહે.કનીજ જય અંબે સોસાયટી તા.મહેમદાવાદ જી.ખેડા) અને રફીકભાઇ ગુલામનબી મલેક (રહે.કનીજ મલેક વાસ તા.મહેમદાવાદ જી.ખેડા)ને ઝડપી લીધા છે.

જ્યારે વડતાલ પોલીસે ગતરોજ બાતમીના આધારે નડિયાદ તાલુકાના ભુમેલ ગામે સેવારીયા તળાવડી ખાતે રહેતો રાહુલ ચંદ્રકાંતભાઈ પરમારને તેના ઘર પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા રંગેહાથે ઝડપી લીધો હતો. પોલીસે ચાઈનીઝ દોરીની 42 નંગ રીલ સાથે કિંમત રૂપિયા 10 હજાર 500ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


