Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત “રેમલ”ની અસરની સમીક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે નવી દિલ્હીના ૭ લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને ચક્રવાત “રેમલ”ની અસરની સમીક્ષા બેઠક કરી હતી. પીએમ મોદીને બેઠક દરમિયાન ચક્રવાતની અસરગ્રસ્ત રાજ્યો પરની અસર વિશે માહિતી આપવામાં આવી હતી. મિઝોરમ, આસામ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરને કારણે માનવ જીવન અને મકાનો અને મિલકતોને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

એનડીઆરએફની ટીમો જરૂરિયાત મુજબ તૈનાત કરવામાં આવી છે. ટીમોએ સ્થળાંતર, એરલિફિં્‌ટગ અને રોડ ક્લિયરન્સ કામગીરી હાથ ધરી છે. બેઠક દરમિયાન, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગૃહ મંત્રાલય રાજ્ય સરકારો સાથે નિયમિત સંપર્કમાં છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત સરકાર ચક્રવાતથી પ્રભાવિત રાજ્યને સંપૂર્ણ સહાય આપવાનું ચાલુ રાખશે. પીએમએ ગૃહ મંત્રાલયને પણ પરિસ્થિતિ પર નજર રાખવા અને પુનઃસ્થાપન માટે જરૂરી સહાયતા આપવા માટે નિયમિતપણે આ બાબતની સમીક્ષા કરવા સૂચના આપી હતી.

પીએમના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ડીજી એનડીઆરએફ અને સભ્ય સચિવ, એનડીએમએ તેમજ પીએમઓ અને સંબંધિત મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.