પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા રાહુલ ગાંધીના હિન્દુઓને લઇને આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં ગોધરા શહેરના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કરીને રામધૂન બોલાવવામાં આવી હતી, સાથે જ રાહુલ ગાંધી પોતાના નિવેદનને લઇને સમગ્ર હિન્દુ સમાજની માફી માવે તેવી માગ કરવામાં આવી હતી.

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ સાંસદમાં હિન્દુઓને લઇને આપેલા નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો. જે બાદ સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. ત્યારે આજે પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીના નિવેદનને લઇને કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ પ્લેકાર્ડ દર્શાવીને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. સાથે જ રાહુલ ગાંધી સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે તેવી માગ કરવામાં આવી હતી. ગોધરા શહેરમાં આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.