જામનગર જિલ્લાના 45થી વધુ ગામોમાં મનરેગાની કામગીરી ચાલી રહી છે. પરંતુ તેમાં કામ કરતા શ્રમિકોની હાજરી હવે ઓનલાઈન ફેસ કેપ્ચરથી પુરવાનું શરૂ કરવામાં આવી છે. જેમાં આંખના રોગી શ્રમિકો તેમજ નેટવર્કના પ્રશ્ને હાજરી પુરાતી ન હોવાથી શ્રમિકોને ભારે હાલાકી પડી રહી છે. જેથી હાજરી પુરવા માટે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગણીઓ થઈ રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં ગરીબ લોકોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ રોજગારી આપવામાં આવે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં જુના તળાવો ઉંડા કરવા, વ્યક્તિગત આવાસ, ખેત તલાવડી, સીમ રસ્તા અને વનીકરણ જેવા સરકારી કામો કરવામાં આવે છે.
ત્યારે હાલ ઉનાળામાં જામનગર જિલ્લાના 6 તાલુકાના 45થી વધુ ગામોમાં મનરેગાની કામગીરી ચાલી રહી છે. જેમાં 5000 જેટલા ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકો રોજગારી મેળવી રહે છે. તેઓને દૈનિક રૂ.288નું વેતન ચુકવવામાં આવે છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામમાં રોજગારી મેળવતા શ્રમિકોની હાજરી હવે ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં જે શ્રમિક કામ પર આવશે, તેનું મોબાઈલમાં ફેસ કેપ્ચરથી હાજર પુરવામાં આવી રહી છે.
પરંતુ સરકારના નવા નિયમ મુજબ શ્રમિકોએ કામના સ્થળે સવારે અને બપોરે એમ બંને સમયે મોબાઈલ ડિવાઇસમાં NMMS એપ મારફત પોતાની આંખો ખોલ-બંધ કરીને E-kyc દ્વારા દૈનિક ઓનલાઈન હાજરી પૂરવી ફરજિયાત કરવામાં આવી છે. આ વ્યવહારિકતાથી જોજનો દૂર નિયમને કારણે ગ્રામ્ય સ્તરે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. અંતરિયાળ ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક બિલકુલ નહિવત હોય છે, જેથી હાજરી ઓનલાઈન સબમિટ થતી નથી.

