Gujarat

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાએલા ૪ આતંકીઓ મામલે હવે રાજસ્થાનની સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ

પકડાએલા ૪ આતંકીઓ મામલે તપાસ માં થયો મોટો ખુલાસો

ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી પકડવામાં આવેલ ચાર આતંકીઓના કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આ કેસમાં અગાઉ પોલીસને નાના ચિલોડા નજીકથી હથિયાર મળ્યા હતા, જે મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. તપાસ મુજબ આ હથિયાર રાજસ્થાનથી અમદાવાદ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે પાકિસ્તાની ડ્રોન મારફતે રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા. રાજસ્થાનથી ૨ વ્યક્તિ મારફતે હથિયાર અમદાવાદ લવાયા હતા. આ કેસમાં હવે રાજસ્થાનની સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે.

આ કેસમાં તપાસ દરમિયાન નાના ચિલોડા નજીકથી કેટલાક હથિયાર પણ મળી આવ્યા હતા. ત્યારે આ હથિયારોની વધુ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. માહિતી મુજબ, આ હથિયાર રાજસ્થાનથી ૨ વ્યક્તિ મારફરતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યારે રાજસ્થાનમાં આ હથિયાર પાકિસ્તાનમાંથી ડ્રોન મારફતે પહોંચાડવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે આ તમામ વિગતો સામે આવી છે. આ કેસમાં રાજસ્થાનનું કનેક્શન સામે આવતા હવે રાજ્યની સુરક્ષા એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે.

આ કેસ બાબતે માહિતી મુજબ, અગાઉ પણ રાજસ્થાન અને પંજાબ ખાતે હથિયાર અને ડ્રગ પાકિસ્તાનથી ડ્રોન મારફતે ઘૂસાડવામાં આવ્યા હતા. મળેલા હથિયાર પર એફએટીએ લખેલો લોગો પણ હતો. ગુજરાત એટીએસે હથિયારોની તપાસ માટે ચિલોડા નજીકના ૭૦૦ જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. ઉપરાંત, હથિયાર મળ્યાના ૪ દિવસ અગાઉના મોબાઈલ ડેટા, હાઇવે પરની હોટેલો, ટોલબૂથ અને નાના ગામડાઓનાં રસ્તાઓની તપાસ કરવામાં આવી હતી.

જો કે, તપાસમાં વિલંબ થવા પાછળનું કારણ જણાવતા કહેવાયું કે ઉનાળાના વેકેશન દરમિયાન અનેક લોકો રાજસ્થાન ગયા હોવાના કારણે સમય લાગ્યો. હિંમતનગર અને સાબરકાંઠા જવા માટે મુખ્ય માર્ગ હોવાંથી પણ તપાસ લાંબી ચાલી. આ મામલે હવે અલગ અલગ એજન્સીઓ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.