Gujarat

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભયંકર ગરમીનો પ્રકોપ તો દક્ષિણમાં વરસાદનું એલર્ટ

ક્યાંક વરસાદ તો ક્યાંક આગઝરતી ગરમી

હવામાન વિભાગે આગહીમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ગરમી યથાવત રહેવાની ચેતવણી આપી છે તો અરુણાચલ પ્રદેશ, આસામ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના જણાવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૩૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે પણ દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૨-૪૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૩૦-૩૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

હવામાન વિભાગ કહે છે કે ૩ જૂને દિલ્હીમાં આંશિક વાદળછાયું રહેશે જ્યારે વિવિધ સ્થળોએ હીટ વેવ જેવી સ્થિતિ રહેશે. તેમજ ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આજે અને આવતીકાલે વરસાદની સંભાવના છે, જેના કારણે તાપમાનનો પારો નીચે જશે. સમગ્ર સપ્તાહ દરમિયાન વાતાવરણ ખુશનુમા રહેશે.

આ દરમિયાન આકાશમાં કાળા વાદળો જોવા મળશે અને ૨૫ થી ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ આવનાર ૨૪ કલાક દરમિયાન, લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, પૂર્વોત્તર ભારત, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ અને ઉત્તરપૂર્વ બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે ધૂળનું તોફાન આવી શકે છે. વિદર્ભ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલય અને કોંકણ અને ગોવામાં હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાની શરુઆત માંજ ગુજરાત માટે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતોને માટે ખુશખબર આપી છે કે, ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેશે. આગાહીનુસાર રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. ખેડૂતોને માટે મોટા સમાચાર આપતા હવામાન વિભાગે કહ્યું હતું કે, આગામી સપ્તાહથી જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઈ જશે.

આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે સાથેજ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે, તો ૨-૩ દિવસ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે, આમ હવે ચોમાસાને લઈ સારા સમાચાર સાથે જ હવે વરસાદની રાહ જોવામાં આવે એ પહેલા જ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે.