Gujarat

રાજકોટ ખાદી ભવનમાં અત્યારસુધીમાં દોઢ લાખના તિરંગાનું વેચાણ થયું, હજુ વેચાણ અઢીથી ત્રણ લાખ સુધી પહોંચ શકે છે

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બે વર્ષ પૂર્વે 15 ઓગસ્ટના રોજ હરઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી આ વર્ષે પણ લોકોમાં હર ઘર તિરંગા અભિયાન માટે આહવાન કરાયું છે. ત્યારે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે અત્યારસુધી 1.50 લાખની કિંમતના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે અને હજુ આગામી 15 ઓગસ્ટ સુધીમાં આ આંકડો અઢીથી ત્રણ લાખ સુધી પહોંચી જશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ છેલ્લા બે વર્ષથી ખૂબ વધારે જોવા મળી રહી છે.

બે વર્ષે પૂર્વે આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ વર્ષે પણ રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ભંડારમાંથી અત્યારસુધીમાં 1.50 લાખની કિંમતના 230 જેટલા તિરંગાનું વેચાણ થઇ ગયું છે. જે પાછલા વર્ષની સરખામણીએ સમકક્ષ માનવામાં આવી રહ્યું છે. કર્ણાટકના હુબલી શહેર ખાતે હાથ વણાટથી બનાવવામાં આવતા ખાદીના ખાસ રાષ્ટ્રધ્વજનું વેચાણ સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યું છે.