Gujarat

નાયબ ઈજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરો

જામનગર જિલ્લા પંચાયતના ધ્રોલના નાયબ ઇજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગુજરાત એસોસિએશન ઓફ આસીસ્ટન્ટ એન્જિનિયર્સ (સિવિલ) અને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યાનુસાર ધ્રોલ તાલુકામાં મોટા ઈંટાળા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પેટા વિભાગ ધ્રોલના કાર્યક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલ માયનોર બ્રીજનું કામ જુનાગઢની કોન્ટ્રાકટર પેઢી સ્વસ્તિક કન્સ્ટ્રકશન દ્વારા ચાલુ હતું તે કામની સાઈટ ઉપર સ્લેબનું કાસ્ટીંગ કામ પ્રગતિમાં હતું ત્યારે આસી. ઈજનેર નિલરાજસિંહ બારડે કોન્ટ્રાકટરને ટેન્ડરના સ્પેશીફીકેશન મુજબ તથા સરકારે નિયત કરેલા ધારાધોરણ મુજબ કામ કરવા સૂચના આપતા અને કામની ગુણવત્તા જાળવવા જણાવતા ઈજનેર સાથે ઉદ્ધત વર્તન કરી અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો.

આ પ્રકારના બનાવથી કોઈપણ સરકારી કર્મચારી અને અધિકારીની સલામતી સામે પ્રશ્ન ઉભા થયા છે. આથી કોન્ટ્રાકટર સામે દાખલારૂપ કાર્યવાહી કરી બ્લેક લીસ્ટ કરવા માંગ કરી છે. આવેદન આપવા મોટી સંખ્યામાં કર્મીઓ જોડાયા હતાં.