Gujarat

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાંથી SOGએ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડ્યો, દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત

અંગત સ્વાર્થ માટે સામાન્ય મેડિકલ અનુભવ ધરાવતા ઈસમો લોકોના આરોગ્યની પણ પરવા કરતા નથી. પૂર્વ કચ્છમાં આજ પ્રકારના એક તબીબની પ્રેક્ટિસ પરથી પરદો ઊંચકાયો છે.

ગાંધીધામના કાર્ગો ઝૂંપ્પડપટ્ટી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તબીબને એસઓજી દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી ટીમને ખાનગી રાંહે મળેલી બાતમીના આધારે ગાંધીધામના પીએસએલ કારગો ઝુંપડા પાસે મૂળ ઉત્તરપ્રદેશના 45 વર્ષીય બ્રીજનંદનપ્રસાદ ૨ામજીતપ્રસાદ ડુશવાહા પોતાની કબ્જા ભોગવટાની દુકાનમા ગેરકાયદેસર ક્લિનીક ખોલી ડોકટરની પ્રેક્ટિસ કરતો હતો.

જેની તપાસ દરમિયાન આ ઈસમે કોઈપણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્રો રજૂ કરી શક્યો ન હતો અને ડીગ્રી વગર ડોકટ૨ની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં જણાઈ આવ્યો હતો.

આરોપીના કબ્જામાંથી ગેરકાયદે રીતે મેડીકલ પ્રેક્ટિસથી મેળવેલી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવ્યાં હતા. આરોપી વિરૂધ્ધ ધી મેડીકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે આરોપી પાસેથી રૂ.19 હજાર 884ના કિંમતની એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો કબ્જે લીધા હતા. આ કામગીરીમાં એસઓજી પોલીસ ઈન્સપેક્ટર ડીડી ઝાલા તથા પો.સબ.ઈન્સ વીપી આહિર તથા સ્ટાફ જોડાયો હતો.