કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી વચ્ચે ઠંડીનું જોર હજુ વધવાની સંભાવના છે, ત્યારે તીવ્ર ઠંડીનો અનુભવ કરતા કચ્છવાસીઓમાં અગાહીને લઈ ચિંતાનો સંચાર થયો છે. જોકે ભુજ શહેરના હૃદયસ્થ હમીરસર તળાવમાં કાયમ સ્નાન કરતા તરવૈયાઓ જાણે ઠંડી સામે યુદ્ધે ચડ્યા હોય તેમ પોતાની સ્નાન ક્રિયા કળકળટી ટાઢમાં પણ યથાવત રાખી છે. હાલ 12 થી 15 જેટલા લોકો વહેલી સવારથી વિશાળ તળાવની તરીને લટાર મારતા જોવા મળે છે. સ્થાનિક તરવૈયાઓ તળાવમાં સ્નાન કરીને લોકોને તળાવમાં કચરો ના ફેંકવાની અપીલ પણ કરી રહ્યા છે.
રાજ્યમાં ઉત્તરી પવનના જોરે ઠારનું પ્રમાણ ઠંડીમાં સતત વધારો કરી રહ્યા છે. કચ્છના શિત મથક નલિયામાં ઠંડીનો પારો સતત એકલ આંકમાં નોંધાઈ રહ્યો છે, જ્યારે બીજા ક્રમે ભુજ શહેર ઠંડુંગાર બની રહ્યું છે. ડિસેમ્બર માસથી એકધારી ઠંડી વચ્ચે પણ ભુજ શહેરમાં આંખોને માનવામાં ના આવે તેવા દ્રષ્યો દરરોજ જોવા મળી રહ્યા છે. જ્યાં લખોટા ગ્રુપના સભ્યો હાડ થિજાવતી ઠંડીમાં પણ વહેલી સવારે હમીરસર તળાવમાં સ્નાન કરે છે. આ વિશે દિવ્ય ભાસ્કરે સ્થનિક તરવૈયાઓ પાસે પહોંચી ઠંડીને લઈ તેમના વિચારો જાણ્યા હતા.

બિપિન જોબનપુત્રાએ કહ્યું હતું કે આમ તો વર્ષના 365 દિવસ ગ્રુપમાં સભ્યો સવારે પોત પોતાના સમયે તળાવમાં સ્નાન કરવા આવીએ છીએ. લખોટા ગ્રુપમાં નાના મોટા મળીને કુલ 120 જેટલા સભ્યો તળાવમાં નાહવાની મોજ માનતા હોય છે. પરંતુ હાલ તીવ્ર ઠંડીના કારણે 10 થી 15 લોકો નિયમિત રૂપે સવારે સ્નાન કરવા તળાવમાં ઉતરે છે. ઠંડી વચ્ચે સ્નાન કરવું એ તળાવ પ્રત્યેનો પ્રેમ છે અને લોકોને પણ અપીલ છે કે તળાવમાં કચરો ના ફેંકી પોતાનો પ્રેમ દર્શાવે.
સરકારી ઈંજીનીયરિંગ કોલેજના પ્રોફેસર મિતેષ બુધભટ્ટીએ કહ્યું સ્વિમિંગ એક એવી કસરત છે જેમાં શરીરના માથાથી લઈ પગના પંજા સુધીની દરેક કસરત થઈ જાય છે. સ્વીમીંગથી શારીરિક ક્ષમતામાં પણ વધારો થાય છે અને રોજિંદા સ્નાન કાર્યથી ઠંડી સામે લડવાની તાકાત મળી રહે છે. આ માટે અનુભવી ગ્રુપના સભ્યોનો સાથ સહકાર મળતો રહ્યો છે અને ઠંડીમાં નાહ્યા બાદ તેનાથી બચાવ અંગેના નિયમોને પણ ફોલો કરીએ છીએ.

દરમિયાન હાલ ભારે ઠંડી વચ્ચે વહેલી સવારે શહેરના કોલેજ રોડ, જ્યુબિલિ સર્કલ અને મહાદેવ ગેટ પરથી શાળાએ જતા નાના ભૂલકાઓ, બાલિકાઓ અને સ્કૂલ રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ સૌ કોઈ ગરમ વસ્ત્રો માં સજ્જ થઈ આગળ વધતા જોવા મળ્યા હતા.
માત્ર આંખ સિવાયના શરીરના તમામ અંગો ઢકાયેલા જોવા મળ્યા હતા, ત્યારે બીજી તરફ હમીરસર તળાવમાં લોકો નાહવાની મોજ માણતા હતા. હમીરસર તળાવમાં બીપીન જોબનપુત્રા, રાજેશ બુધભટ્ટી, મિતેષ બુધભટ્ટી, રાજેશ પટેલ પ્રોફેસર, હનુભા જાડેજા, જીગ્નેશ પટેલ,જયેશ સોની, અપૂર્વ ધોળકિયા અને પરાગ રાણા વગેરે સ્નાન કરવા આવે છે.