ગોહિલવાડમાં મહિમાવંત શ્રાવણી પર્વનો ભવ્ય પ્રારંભ થઇ ગયો છે.ગઇકાલે બોળચોથની ઉજવણી કરાયા બાદ આજે નાગપંચમીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જયારે શનિવારે રાંધણછઠ,રવિવારે શિતળા સાતમ અને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભાવિકો થનગની રહયાં છે. તળાજા શહેર અને તાલુકામાં પાંચમથી આઠમ સુધીના શ્રાવણી તહેવારોની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે.
જે અનુસાર નાગપંચમી થી જન્માષ્ટમીના તહેવારોની સુધીના કાર્યક્રમોની તૈયારી થઈ રહી છે જે માટે તળાજા શહેર અને તાલુકામાં સાતમ આઠમ ઉપરના શ્રાવણી તહેવારોની ભવ્ય ઉજવણી માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
તળાજા શહેરના ઐતિહાસિક કૃષ્ણ મંદિરો બાલકૃષ્ણ લાલજીની હવેલી, શ્રીરાધાકૃષ્ણ મંદિર, મુરલીધર મંદિર, ઠાકોર દ્વારા મંદિર, રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર, સહિત ધર્મસ્થાનોમાં પરંપરાગત રીતે કૃષ્ણ ભગવાનના દર્શન પૂજન અને રાત્રીના સમયે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય આરતી યોજાશે તેમજ તળાજાના કોદિયા મુકામે યદુવંશી આહીર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા, મટકી ફોડ અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ નો ઇનામ વિતરણ સમારોહ યોજાશે

