આઝાદીના સમય પહેલા વર્ષ 1939થી સદંતર સમાજ માટે દિવસ રાત કામ કરી રહેલ શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની 18મી પરિષદનુ આજરોજ રવિવારે વડતાલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ ભરમાં પથરાયેલા આ સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ પરિષદમાં નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખની શપથ વિધિ લેવામાં આવી છે.

વડતાલ ધામમાં ગોમતી કિનારા સામે આવેલ હરિકૃષ્ણ યાત્રિક ભૂવનના પટાંગણમાં આજે રવિવારે શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની 18મી પરિષદ મળી છે. જેમાં અંદાજે 7 હજારથી વધુ સમાજના ભાઈ-બહેનો ઉમટ્યા છે. આ પરિષદના અગળના દિવસે યુવક, યુવતીનો પરિચય મેળો યોજાયો હતો. જેમાં અંદાજે 800થી વધુ યુવક, યુવતીઓ ઉમટ્યા હતા. આ પરિષદનું હાજર મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો. આ સાથે વરાયેલા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની શપથ લેવામાં આવી હતી. અહીંયા શનીવારની રાત્રે પણ મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના પગલે અહીંયા ઉતારાની 800થી વધુ રૂમો બુક થઈ હતી.

આ 18મી પરિષદમાં સવારે શોભાયાત્રા નીકળી હતી, એ બાદ પરિષદનું ઉદ્દઘાટન એ.બી.જ્વેલર્સ અમદાવાદના અરવિંદભાઈ સોની અને સમાજના અગ્રણીઓએ હાજર રહી ખુલ્લી મૂકી હતી. સ્વાગત પ્રમુખ ઝવેરીલાલ વીરજીભાઈ ઝવેરીનું આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું. એ બાદ નિવૃત્ત પ્રમુખ ડોક્ટર જયેન્દ્રભાઈ રાણપુરાનું આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું. 18માં સત્રના વરાયેલા પ્રમુખ હેમેન્દ્રભાઈ સોનીને બેજ પહેરાવવામાં આવ્યા હતા. તેમજ ઉપપ્રમુખ વિજયભાઈ ધોળકિયાને પણ બેજ પહેરાવવામાં આવ્યા હતા. આ બાદ સમાજના અગ્રણીઓ દાતાઓ તેમજ મહાનુભાવોનું સન્માન તેમજ ઉદબોધન કરાયું હતું અને છેલ્લે બપોરે ત્રણ વાગે સંત દેવપ્રસાદજીના આશીર્વાદ સાથે આ પરિષદનું સમાપન થશે જે બાદ કારોબારી સમિતિમાં મંજૂર થયેલા ઠરાવ અંગે ચર્ચા પણ કરાશે.






