Gujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સુરતનાં દાદા ભગવાન મંદિર ખાતે યોજાશે

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સમિતિની બેઠક આગામી તારીખ 7 જુલાઈ ને રવિવારનાં રોજ બપોરે 1:30 કલાકે સુરત જિલ્લાનાં કામરેજ ચારરસ્તા, નેશનલ હાઈવે સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે યોજાશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં રાજયનાં તમામ જિલ્લા સંઘોનાં પ્રમુખ, મહામંત્રી, રાજ્યસંઘનાં હોદ્દેદારો ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે.
બેઠક સંદર્ભે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સદર બેઠકમાં રાજ્યનાં પ્રાથમિક શિક્ષકોનાં વિવિધ પડતર પ્રશ્નો અંગે ભૂતકાળમાં દિવસોમાં કરવામાં આવેલ આંદોલનાત્મક કાર્યક્રમોની સમીક્ષા, બાકી પડતર પ્રશ્નો અંગેની સઘન ચર્ચા વિચારણા સાથે આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે. તદ્ઉપરાંત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ચૂંટણી બાબતે પરામર્શ કરવામાં આવશે. આ પ્રસંગે ચાલુ ટર્મમાં નિવૃત્ત થયેલાં રાજયસંઘનાં વિવિધ હોદ્દેદારોનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.