દિલ્હીની આઘાતજનક ઘટના
દેશની રાજધાની દિલ્હીના કેશવપુરમમાં પિતાએ પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરીને હરિદ્વાર જઈને આત્મહત્યા કરી લીધી. હરિદ્વાર પોલીસે અંતિમ સંસ્કાર કર્યા કારણ કે મૃતદેહ દાવા વગરનો હતો. પોલીસનું કહેવું છે કે મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ કેશવપુરમ રામપુરા સૈની ગલીમાં રહેતા મનીષ નામના વ્યક્તિએ તેના ૧૧ વર્ષના પુત્ર અને ૧૩ વર્ષની પુત્રીની હત્યા કરી નાખી હતી. મનીષ કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેણે તેની દુકાનમાં જ તેના પુત્ર અને પુત્રીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા બાદમાં તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના ૧૩ દિવસ બાદ હરિદ્વાર પોલીસ તરફથી પોલીસને સમાચાર મળ્યા કે મનીષે ગંગામાં ડૂબીને આત્મહત્યા કરી લીધી છે.
આ પછી કેશવપુરમ પોલીસે મનીષના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી છે. પોલીસનું કહેવું છે કે જ્યારે મનીષે હરિદ્વારમાં આત્મહત્યા કરી હતી, ત્યાર બાદ તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ મૃતદેહ ની ઓળખ થઈ શકે તેમ ન હોવાથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસ તપાસમાં બંને બાળકોના શરીર પર હળવી ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.
પિતા પોતે બપોરે બંને બાળકોને શાળાએથી લઈ આવ્યા હતા. આ પછી સાંજે ૭ વાગ્યે બંનેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ અને આસપાસના લોકો બંને બાળકોને દીપચંદ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા પોલીસ દ્વારા આ ઘટનામાં હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

