Gujarat

ડાકોર ગોમતી કિનારેથી દબાણો હટતા ઘાટ ખુલ્લો જોવા મળ્યો

ડાકોર નગરપાલિકામાં સતત વધી રહેલાં દબાણોથી સ્થાનિકો અને યાત્રાળુઓ પરેશાન થઇ ગયા હતા. ત્યારે હવે પાલિકા દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી 4 ડિસેમ્બરે હાથ ધરવામાં આવનાર હોવાની જાહેરાતને પગલે દબાણકર્તાઓએ સ્વેચ્છાએ જ દબાણ દૂર કરી નાખતાં ગોમતી ઘાટ ખુલ્લો અને સ્વચ્છ થઇ ગયો હતો. ત્યારે હવે આજ સ્થિતી પાલિકા દ્વારા જાળવી રાખવામાં આવે તેવી લાગણી નગરજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડાકોર નગરમાં યાત્રાળુઓ અને સ્થાનિકો માટે શીરદર્દ બનેલાં ખડકાયેલા દબાણો દૂર કરવાને લઇને પાલિકા એક્શનમાં આવતાં જ દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

પાલિકાએ 4 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હોવાથી દબાણકર્તાઓએ સ્વેચ્છાએ જ મંગળવારે દબાણો હટાવી લીધા હતા. વર્ષો બાદ પહેલીવાર ગોમતી ઘાટ પરના દબાણો હટી જતાં ઘાટ ખુલ્લો થતાં યાત્રાળુઓ અને સ્થાનિકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

હવે આ રીતે કેટલાં સમય સુધી ખુલ્લો રહે છે તે જોવું રહ્યું. પાલિકા આ સ્થિતી કાયમી જાળવી રાખે અને નગરમાં ખડકાતાં ગેરકાયદેસરના દબાણોને કાયમી ધોરણે દૂર કરે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.