અમરેલી જિલ્લામા સિંહો દીપડાની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે જેના કારણે ગ્રામજનોમાં ભયના માહોલ વચ્ચે પરેશાન થય રહ્યાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે, મોટા લીલીયા તાલુકાના નાના લીલીયા ગામ નજીક રેવન્યુ વિસ્તાર માંથી વાડી વિસ્તાર રહેણાંક મકાનો સુધી અવાર નવાર દીપડાઓ આવી જતા હોવાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
અવાર નવાર ગ્રામજનોને દીપડો દેખા દેતો હોય છે જેના કારણે લોકોમાં ભાગદોડ મચતી હોય છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા લીલીયા રેન્જ કચેરીમાં લેખિતમાં પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી છે. આ વિસ્તારમાં હિંચક વન્યપ્રાણી જોવા મળી રહ્યા છે ખેતરોમાં કામ કરતા ખેડૂતો માટે ભયજનક હોવાથી આ વિસ્તારમાં દીપડાને પાંજરે પુરવા માટેની માંગણી કરવામાં આવી છે.
દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થતા વનવિભાગ હરકતમાં આવ્યું
નાના લીલીયામાં દીપડો અવર જવર કરતા સીસીટીવી કેમેરામાં કેદ થવાના કારણે વીડિયો સામે આવતા લીલીયા રેન્જ દ્વારા દીપડા નું લોકેશન મેળવવા વનકર્મીઓ દ્વારા કવાયત હાથ ધરી દીપડાનું લોકેશન મેળવી પાંજરે પુરવા માટેની સૂચના આપતા સિમ વિસ્તારમાં દીપડાની અવર જવર વાળા વિસ્તારમાં વનવિભાગ વોચ રાખી તપાસ કરી રહ્યું છે.

નાના લીલીયા ગામના ઉપસરપંચ રણજીતભાઈ ખુમાણએ જણાવ્યું હતું કે, મારી વાડીમાં દીપડો આવ્યો હતો સીસીટીવી કેમેરામાં પણ જોવા મળ્યો છે મેં વનવિભાગના અધિકારીને જાણ કરતા તાત્કાલિક ટીમ આવી પાંજરા ગોઠવી દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.