ખંભાળીયા નગરપાલિકામાં મહેકમ ખર્ચ 49 ટકાને બદલે 69 ટકા જેટલું થઈ જતા નાણાકીય બોજ વધતા તથા રાજ્ય સરકારની સૂચના આદેશ પ્રમાણે પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઇ વ્યાસ દ્વારા હાલના પાલિકાના તમામ કર્મચારીઓ જે સાતમાં પગાર પંચનો લાભ મેળવતા હતા તેમને રિવર્સ પગાર પંચ 6ઠ્ઠા પગાર પંચમાં મુકવા આદેશ કર્યો હતો. તથા તેનો અમલ ગત માસ માર્ચ-24થી કરવા આદેશ કરાયો હતો.
આ આદેશની સામે પાલિકા કર્મચારી મંડળના આગેવાન તથા રાજ્ય સફાઈ કર્મી મંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા હાઇકોર્ટમાં ખાસ પિટિશન દાખલ કરીને જુદી જુદી નગરપાલિકાઓના આ બાબતે ચુકાદા તથા મહેકમ ખર્ચમાં કાયમી સિવાયના કર્મીના પગાર ના ગણી શકાય જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવતા ચીફ ઓફિસરના હુકમ સામે મનાઈ હુકમ અપાતા ખંભાળીયા પાલિકા કર્મચારીઓ દ્વારા પેંડા ખવડાવીને તથા ફટાકડા ફોડીને આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી.