Gujarat

યાત્રાધામ દ્વારકાના આંગણે ભાવિકોનું અવિરત ઘોડાપુર; જગતમંદિરે 81.50 લાખ ભાવિકોએ શિશ ઝૂકાવ્યું

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના આંગણે દર વર્ષે દર્શનાર્થી ભાવિકોની સંખ્યા ઉતરોત્તર વધી રહી છે. જગતમંદિરની વર્ષ 2023-24માં અંદાઝે 81.50 લાખ યાત્રિકો ભગવાન દ્વારકાધીશજીના દર્શનાર્થે આવ્યા હતા. જયારે આ વર્ષ દરમિયાન રૂા.23.78 કરોડની રોકડ રકમ પણ ભેટ સ્વરૂપે અર્પણ કરાઇ રહી.સાથો સાથે વર્ષ દરમિયાન અંદાજીત 1.7 કિલો સોનુ તેમજ 50.6 કિલો જેટલુ ચાંદી પણ ભાવિકો દ્વારા ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં અર્પણ કરાઇ હતી.

દ્વારકાના આંગણે દર વર્ષે જન્માષ્ટમી પર્વ ઉપરાંત હોળી-ધુળેટીના ફુલ ડોલ ઉત્સવમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે.કાળીયા ઠાકોરની કર્મભૂમિ દ્વારકામાં દર્શનાર્થીનો પ્રવાહ વેકેશન સાથે નાના મોટા તહેવારોમાં પણ અવિરત રહે છે.

યાત્રાધામ દ્વારકાના છેલ્લા દશકામાં હરણફાળ વિકાસના પગલે યાત્રીઓ પણ દર વર્ષે વધતા જોવા મળે છે.ખાસ કરી ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બ્લ્યુફલેગ શિવરાજપુર બી સહિતના સ્થળોના પગલે દ્વારકા યાત્રિકોની સાથે સાથે સહેલાણીઓમાં પસંદીદા બન્યુ છે.

ઠાકોરજીને સુકા મેવા મનોરથ યોજાયો

યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં સવારે શૃંગાર આરતી સમયે ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. ઠાકોરજીના ગુરૂવારના કેસરી વાઘા સહિત રત્નાલંકારથી સુશોભિત દિવ્ય સ્વરૂપ સાથેના સુકા મેવા મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતો શ્રીજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.