Gujarat

તાલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં NDRFની ટીમે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી

રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમ બચાવ અને રાહત રેસ્ક્યૂ કામગીરી કરી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા સંચાલિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલામાં પણ NDRF ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફ્લડ રેસ્ક્યૂ કામગીરી તેમજ બચાવ અને રાહત કામગીરીનું ડેમૉન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

તાલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના 130થી વધુ વિદ્યાર્થીઓને પૂર જેવી આફત આવી પડે ત્યારે કેવા પગલાં ભરવા જોઈએ, કુદરતી આફતોમાં એનડીઆરએફ કઈ રીતે બચાવ કામગીરી કરે છે, પૂરગ્રસ્ત સ્થિતિમાં દોરડાનો ઉપયોગ કઈ રીતે કરવો જેવી વિગતોની વિસ્તૃત સમજણ આપી એનડીઆરએફની બચાવ કામગીરીના વિવિધ સાધનો જેવા કે, લાઈફ જેકેટ, બોયા, ઓક્સિજન સિલિન્ડર વગેરેની ઝીણવટ પૂર્વક માહિતી આપી હતી. આ રીતે તમામ વિદ્યાર્થીઓ માટે આ અનુભવ એકદમ યાદગાર રહ્યો હતો.

આ ટ્રેનિંગ અને પ્રદર્શન માટે આચાર્ય ડેનિશ લાડાણીએ સમગ્ર એનડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આ ટ્રેનિંગમાં સહાયતા બદલ ગીર સોમનાથ વહીવટી તંત્ર અને તાલાલા મેંગો રિસોર્ટનો પણ આભાર માન્યો હતો.