ખેડા જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી 4 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. સત્તાધારી પક્ષ ભાજપે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને બેઠકો બિનહરીફ કરવા પ્રયાસો પણ કરાયા હતા. કુલ 13 બેઠક પૈકી 8 બેઠક બિનહરીફ આવી છે.
અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તેમાં પણ નડિયાદ અને માતર બેઠકો પર રસાકસીનો જંગ જામ્યો છે. કારણ કે નડિયાદ બેઠક પરથી 3 ઉમેદવારો અને માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની છે.
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આગામી 4 જાન્યુઆરીના રોજ યોજવાની જાહેરાત થતાની સાથે ચૂંટણી લડવા ઇચ્છુક જિલ્લાના સહકારી આગેવાનોમાં સડવડાટ શરૂ થયો હતો.
ભૂતકાળમાં જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તમામ બેઠકો મોટાભાગે બિનહરીફ જાહેર થતી હતી. જોકે સંઘમાં સભ્ય પદ મેળવવા માટે જિલ્લા ભાજપ મોવાડીયોમાં હોડ જામી હતી. તેમાં પણ વિભાગ-4ની 10 બેઠકો પર ભાજપ અગ્રણીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઉમેદવારી નોંધાવી દેવામાં આવી હતી. જેથી ભાજપની સામે ભાજપનો જ ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો.
આ વચ્ચે જિલ્લા ભાજપ મોવાડી મંડળ દ્વારા તમામ બેઠકો પોતાના પક્ષે બિનહરીફ થાય તે હરકતમાં આવી એડી ચોટીનુ જોર લગાવવામાં આવ્યું હતું. જેના પગલે વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3 અને વિભાગ-4ની ગળતેશ્વર બેઠક બિનહરીફ થઇ હતી.
આ બાદ જિલ્લા ભાજપ મોવાડી મંડળ દ્વારા આદરેલ સમજાવટના પગલે વિભાગ-4માં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી વસો, મહેમદાવાદ, ઠાસરા અને ખેડા તાલુકાની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આમ કુલ 13 બેઠકો પરથી આઠ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.
જ્યારે ભાજપ મોવાડી મંડળના લાખ પ્રયત્નો પછી પણ વિભાગ-4ની નડિયાદ, મહુધા, માતર, કઠલાલ અને કપડવંજ બેઠક પર ચૂંટણી યોજાવવાની નોબત આવી છે. આ પાંચ બેઠક ઉમેદવારી નોંધાવનાર સભ્યો દ્વારા ભાજપ મોવાડી મંડળના અથાક પ્રયાસો પછી ચૂંટણી જંગમાંથી પીછે હટ ન કરાતા હવે વિભાગ 4ની આ પાંચ બેઠકો પર કુલ 12 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે.
જેમાં નડિયાદ બેઠક પર સૌથી વધુ 3 ઉમેદવાર અને માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જોકે ભાજપ સંગઠનના મેન્ડેટ આપેલ પરમાર ભગવતસિંહ કાળીદાસ (રહે.માતર)ને જીતાડવા કામે લાગી છે. અને આ ચૂંટણીમાં માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યે જે ઉમેદવારી નોંધાવી છે તે બાબતે પુછતા આ નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું છે.