Gujarat

સ્પોર્ટસ કોમ્પલેક્ષથી મરીડા ગામ તરફનો માર્ગ અત્યંત બિસ્માર

ચોમાસાની ઋતુ પહેલાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરીને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો પાસે ખાડા પુરાવવાની જગ્યાએ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને છાવરી રાખવામાં આવતાં હાલમાં શહેરના બિસ્માર માર્ગોને કારણે પ્રજા પરેશાન થઇ ગઇ છે. નગરજનોની રજૂઆત તો પાલિકા ધ્યાને નથી લેતી પણ પાલિકામાં ચૂંટાયેલા સભ્યોની રજૂઆતોને પણ દાદ આપવામાં આવતી ન હોવાની રાવ ઉઠી રહી છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ થી મરીડા ગામ તરફનો માર્ગ હાલમાં અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં ફેરવાઇ ગયો છે. જેની પાછળ ૩ વર્ષમાં રૂા. 1 કરોડનો ખર્ચ બતાવાયો છે.

નડિયાદ શહેરના મરીડા દરવાજાથી લઇને મરીડા ગામ સુધીના માર્ગની સ્થિતીથી સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. મરીડા ચોકડીથી સ્પોર્ટસ કોમ્પલેક્ષ થઇને આગળ જતો માર્ગ પહેલાં 19 લાખ રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. બાદમાં આ માર્ગ તૂટી જતાં રૂ. 80 લાખના ખર્ચે આર એન્ડ બી. વિભાગ દ્વારા બનાવવામાં આવ્યોહતો.

આ માર્ગ ફરી તૂટી જતાં તેના ઉપ૨ રિસર્રેસીંગ કરવામાં આવ્યું છતાં હાલમાં રોડની સ્થિતી ચંદ્રની સપાટી જેવી જોવા મળી રહી છે. ત્યારે આ માર્ગ મરીડા ગામ સહિત અન્ય 5 ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. જેમાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને વાહન પરં ડાન્સ કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ માર્ગ નવો બનાવાય તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.