નડિયાદ શહેરના વાણિયાવાડ સર્કલને તોડી ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાડ્યા બાદ વળાંકમાં અવરોધરૂપ ફુટપાથ પાલિકા દ્વારા દૂર કરી, રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, કિડની તરફથી મહાગુજરાત તરફના વળાંકમાં નડતરરૂપ 9 જેટલાં દબાણોને રવિવારે રાત્રે પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગ પર દુકાનદારો દ્વારા ઓટલાં બનાવીને શેડ બનાવી દેવામાં આવ્યા હતા.
નડિયાદમાં વાણિયાવાડ જંક્શન પર કિડની હોસ્પિટલ તરફથી આવતાં વાહનોને મહાગુજરાત તરફ વળવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ માર્ગ પર જંક્શન પાસે આવેલી દુકાનો પાસ ઓટલા અને શેડ બનાવી દેવાતા વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. જેથી રોડ અને જંક્શન ખુલ્લુ કરવા માટે પાલિકા દ્વારા 9 જેટલાં દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
આગામી સમયમાં શહેરના અન્ય દબાણો પણ દૂર કરવામાં આવશે. આ અંગે દુકાનદાર પરેશ સોનીએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે નગરપાલિકામાંથી આવીને શેડ કાઢવાનું કહી ગયા હતા. એટલે અમે શેડ કાઢી લીધા હતા. બાદમાં સોમવારે રાત્રે આવીને આગળનું સ્ટ્રક્ચર તોડી નાખ્યું હતું. વાણિયાવાડ સર્કલ પર કિડની તરફથી મહાગુજરાત તરફના વળાંકમાં આ દબાણો અવરોધરૂપ હોવાથી તેને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલમાં પાલિકા દ્વારા આ જંક્શન ખુલ્લું કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.