મહુધાના સિંઘાલી ગામમાં આવેલા સરદાર પોળમાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું. જેમાં પરિવારનુ મકાનનુ રીનોવેશન કામ ચાલતું હોવાના કારણે પરિવાર નવા મકાનમાં સૂવા જતા અજાણ્યા ઇસમો મુખ્ય બારણાં નો નકુચા તોડી ઘરમાં પ્રવેશી સોના- ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ 6.55 લાખની મત્તા ચોરી ગયા હતા.
મહુધાના સિંઘાલી ગામમાં સરદાર પોળમાં રહેતા મહેન્દ્રભાઇ પટેલ ઉં. 70 પરિવાર સાથે રહી ખેતી અને તમાકુનો વેપાર કરે છે. તાજેતરમાં વૃધ્ધના નવા ઘરનું કામ ચાલુ હોવાથી તે જૂના ઘરમાં રહે છે જે ડાબી તરફ ત્રણ મકાનો છોડી આવ્યું છે અને નવા ઘરે રાતે સૂવા જાય છે. ત્યારે શુક્રવારે પડોશમાં મરણ થતા તે રાતના 11 વાગ્યા સુધી હતા જે બાદ તેઓ નવા ઘરે સુવા ગયા હતા.
ત્યારે શનિવારે સવારે 5:45 વાગ્યાના અરસામાં જૂના ઘરે જતા ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને દરવાજો અર્ધખૂલ્લો હતો. જેથી ઘરમાં જઈ તપાસ કરતા માલ- સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને તિજોરી લોકર તુટેલા હતા.
આ બાદ તપાસ કરતા પત્ની, દિકરા પુત્રવધુ, પૌત્રી, પૌત્ર અને ઘરની મહિલાઓના સોના-ચાંદીના દાગીના કુલ મળી 36 તોલા સોનાના દાગીના, 700 ગ્રામ ચાંદી અને રોકડ રૂ 30 હજાર મળી કુલ રૂ 6.55 લાખની મત્તાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે મહેન્દ્રભાઇ કિશોરભાઈ પટેલે મહુધા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.