Gujarat

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા માટે સવા બે હજાર કર્મચારીઓ તૈનાત

જામનગર સહિત હાલારભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેવામાં આજે વડાપ્રધાન મોદી જામનગર આવતા હોય ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખુદ એડીજી, આઈજી, 5 એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં લાગ્યા છે.

પ્રદર્શન ગ્રાઉન્ડના સભા સ્થળ ઉપરાંત માર્ગ પર ચકલું પણ ન ફરકી શકે તે અંગેની લોખંડી બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાઈ છે. આ માટે જામનગરમાં એસપી, ડીવાયએસપી સહિત 2 હજારથી પણ વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

રૂપાલાના વિવાદિત નિવેદને લઇ જામનગર ઉપરાંત જામજોધપુર,ધ્રોલ, કાલાવડ સહિતના પંથકમાં ભાજપના ઉમેદવારનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આથી જામનગર પોલીસ એલર્ટ બની છે. તા.2ને ગુરુવારે સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પીએમ જનસભા સંબોધશે. ત્યારે પોલીસ સહે જ પણ બેદરકારી દાખવાવ માંગતી નથી.

આથી જામનગરમાં વડાપ્રધાનના આગમન વેળાએ રોડ પર 1213 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને ફરજ સોંપાઈ છે. જેમાં 6 એસપી, 9 ડીવાયએસપી, 22 પીઆઇ અને 74 પીએસઆઇ તથા અન્ય પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે. આ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભા સ્થળ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જેમાં 6 એસપી, 9 ડીવાયએસપી,16 પીઆઇ અને 50 પીએસઆઇ સહિત 1024 પોલીસ કોન્સ્ટેબલ સહિત રોડ પર અને સભા સ્થળ પર 2,237 પોલીસ જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળે સુરક્ષાનો મોરચો સંભાળશે.