Gujarat

રાજસ્થાનથી 2.53 લાખનો વિદેશી દારૂ લાવી નડિયાદના માઘરોલી ગામે લઈ જતા બે બુટલેગરો પોલીસના હાથે લાગ્યા

થર્ટી ફસ્ટ આવતા વિદેશી દારૂની બદીઓને અંકુશમાં લાવવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. ખાસ નાઈટ કોમ્બીગ ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરી આવી બદીઓને ડામવામાં આવી રહી છે. સેવાલીયા પોલીસે નડિયાદ લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

નડિયાદના માઘરોલી ગામના બુટલેગર કાકા-ભત્રીજા રાજસ્થાનથી રૂપિયા 2.53 લાખનો વિદેશી દારૂ ભરી લાવી નડિયાદના માઘરોલી ગામે લઈ જતાં ગળતેશ્વરના જરગાલ પાસેથી પોલીસના હાથે પકડાયા છે. પોલીસે વાહન મળી કુલ રૂપિયા 5.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સેવાલીયા પોલીસના માણસોએ બાતમીના આધારે ગતરોજ જરગાલ ગામની સીમમાં ટકિયા વિસ્તારમાં ઊભુ રહેલા વાહનની તલાશી લીધી હતી. દરમિયાન આ વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જે બાદ પોલીસે અહીયા હાજર મળી આવેલા બે ઈસમો સુખા લક્ષ્મણ તળપદા અને બીપીન નવઘણ તળપદા (બંન્ને રહે.માઘરોલી સીમ, નડિયાદ)ને અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવાં આવ્યા હતા. જે બાદ ઉપરોક્ત પીકઅપ ડાલામાંથી ગણતરી કરતા કુલ રૂપિયા 2 લાખ 53 હજાર 704નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલ ફોન અને વાહન મળી કુલ રૂપિયા 5 લાખ 63 હજાર 704નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.

પુછપરછમાં આ બંને આરોપીઓ કાકા-ભત્રીજા થાય છે વધુ પુછતાછમાં આ બંને લોકો રાજસ્થાનના રેલ્લાવાડા ઠેકા પરથી આ વિદેશી દારૂનો જથ્થો લઇ આવ્યા હતા અને માઘરોલી ગામે લઇ જતા હતા. જોકે સવાર પડી જતાં પોલીસથી બચવા અહીંયા જરગાલ ગામે સંતાયા હોવાની કબૂલાત જણાવ્યું છે. સેવાલીયા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.