Gujarat

નાના ચીલોડાથી દેશી દારૂ ભરેલી કારનો પીછો કરી ઝડપી પાડી; બે લોકોની ધરપકડ

દારૂનો પીછો કરી રહેલા SMCના પીએસઆઇનું અકસ્માતમાં મોત થવાની ઘટના બાદ બુટલેગરને સબક શીખવાડવા ફરી પોલીસ સક્રિય બની છે. એસએમસીએ બુટલેગરોનો જડમુળથી ખાતમો કરવાના દ્રઢ સંકલ્પ સાથે ફરીથી મેદાનમાં ઉતરી ગઇ છે. એસએમસીએ નાના ચીલોડા પાસેથી દેશી દારૂ ભરેલી ગાડી સાથે બે લોકોની ધરપકડ કરી છે. એસએમસીએ કારનો પીછો કરીને દારૂ ભરેલી ગાડીને ઝડપી લીધી છે.

પોલીસે કાર રોકાવતા બુટલેગરે કાર ભગાવી એસએમસીની ટીમને બાતમી મળી હતી કે, નાના ચીલોડાથી નરોડા તરફ એક કાર પસાર થવાની છે, જેમાં દેશી દારૂનો જથ્થો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ તહેનાત થઇ ગઇ હતી અને પોતાની વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક શંકાસ્પદ કાર પૂરઝડપે આવી હતી, જેને રોકવાની એસએમસીએ કોશિષ કરી હતી. પરંતુ ખેપિયાએ પોતાની કાર નહીં રોકતા પૂરઝડે ચલાવી હતી. એસએમસીએ તેનો પીછો કર્યો હતો અને કારને ઝડપી લીધી હતી.

નરોડા પોલીસે ગુનો નોંધ્યો એસએમસીને કારમાંથી 1.19 લાખની કિંમતનો 595 લીટર દેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે નરોડા મુઠીયા ગામમાં રહેતા કનુ મીણા અને કેદારસિંહ સીસોટીદાયાની ધરપકડ કરી છે. બન્નેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરતા દારૂનો ઝથ્થો મુઠીયા ગામમાં રહેતા શંકર ઉર્ફે કાંનજી મીણાએ મંગાવ્યો હતો. બાદમાં ઉદેસિંહ અને ભુરીયા માટે પણ દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબુલાત કરી હતી. આ દારૂનો જથ્થો પ્રાતિજ ગામ પાસેથી લાવ્યો હોવાની પણ ખેપિયાએ કબુલાત કરી છે. એસએમસીએ ખેપિયો તેમજ તેના સાગરીતની ધરપકડ કરીને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.